સુરતમાં ઓક્સિજનની અછત, નવી સિવિલ-સ્મીમેરના ગેટ બીજા દિવસે પણ બંધ

306

સુરત : સુરત શહેર છેલ્લા બે દિવસથી ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યું છે.ત્યારે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો હવે એક એક કરી નાદારી નોંધાવી રહી છે.નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના મુખ્ય ગેટ સતત બીજા દિવસે ઓક્સિજનના અભાવે બંધ રાખવામાં આવ્યાં હતાં.ઓક્સિજન તેમજ વેન્ટિલેટરના અભાવને કારણે આ બંને હોસ્પિ.માં નવા ગંભીર દર્દીઓ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.સાથે સાથે ખાનગી હોસ્પિ.માં પણ ઓક્સિજનના વાંકે પરિસ્થિતિ બગડી રહી છે.

કોરોનાને કારણે શહેરમાં ગંભીર દર્દીઓની સ્થિતિ દિનપ્રતિદિન વધુ બગડી રહી છે.શહેરમાં એક બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની મારામારી તો બીજી બાજુ હવે ઓક્સિજનની અછત અનેક દર્દીઓના જીવ અધ્ધર કરી રહી છે.તંત્ર પણ જાણે પરિસ્થિતિઓની સામે હવે લાચાર નજરે આવી રહ્યું છે.નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આજે સતત બીજા દિવસે ઓક્સિજનના અભાવને કારણે મુખ્ય ગેટ બંધ રાખવામાં આવ્યા હતા.નવી સિવિલ હોસ્પિટલમાં અને સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ફુલ હોવાથી અતિગંભીર દર્દીઓને લેવાનું બંધ કરી દેવાયું છે.

હાલ આ બંને હોસ્પિટલમાં જેટલો ઓક્સિજન મળી રહ્યો છે તે ખુબ જ સાચવીને વાપરવા માં આવી રહ્યો છે.તેમ છતાં ઓક્સિજનની અછતની સતત ભીતિ સરકારી હોસ્પિટલના તબીબોને સતાવી રહી છે.આજે પણ નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ દર્દીઓની પાછળ 85 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન વપરાયો હતો.સ્મીમેર હોસ્પિટલમાં 517 દર્દીઓ માટે 27 મેટ્રિક ટન અને સિવિલ હોસ્પિટલમાં 1150 દર્દીઓ માટે 60 મેટ્રિક ટન વપરાયો હતો.આ ઓક્સિજન કેટલા દિવસ મળી રહેશે તે કહેવું હવે તબીબો માટે પણ અઘરું લાગી રહ્યું છે.જે હાલત નવી સિવિલ અને સ્મીમેરની છે તેવી જ હાલત ખાનગી હોસ્પિ.ની પણ છે.ઓક્સિજનના મામલે ખાનગી કંપનીઓ પણ પુરવઠો મેળવવા માટે દોડી રહી છે.જો ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પુરો નહીં કરાય તો ખાનગી હોસ્પિ.માં સારવાર લઈ રહેલા હજારો દર્દીઓના જીવ તાસક પર મુકાઈ જશે.

Share Now