સીરિયાના હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત, યુરોપિયન યુનિયનને અંકારાની ધમકી

587

– તુર્કીએ ઈદલિબને નો ફ્લાય ઝોન જાહેર કરવા માંગણી કરી

– તણાવ ઘટાડવા રશિયા-તુર્કીના રાષ્ટ્રપતિએ ટેલિફોનિક ચર્ચા કરી

– મોસ્કો ખાતે બેઠકમાં તુર્કી ઉપરાંત ફ્રાંસ, જર્મનીના નેતાઓ જોડાશે

અંકારા, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર

સીરિયાના ઈદલિબ પ્રાંત ખાતે થયેલા હવાઈ હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત બાદ તુર્કીએ વળતા હુમલામાં 45 સીરિયન સૈનિકોને મારી નાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

એર સ્ટ્રાઈકના કારણે રશિયા અને તુર્કી વચ્ચેનો તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે અનેં તણાવ ઘટાડવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોગને ટેલિફોનિક વાતચીત કરી હતી. હકીકતે સીરિયામાં બશર-અલ-અસદ સરકારને રશિયાનું સમર્થન મળેલું છે અને તે સીરિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ લડનારાઓનો સામનો કરવા માટેના અભિયાનમાં સામેલ છે. આ તરફ તુર્કીએ તણાવ ઘટાડવા હુમલાનો આરોપ અસદ પર લગાવીને મોસ્કો સાથે વાતચીત શરુ કરી છે. એર્દોગન પાંચ માર્ચના રોજ પુતિન સાથેની બેઠકમાં સામેલ થવા મોસ્કો જશે અને તેમાં ફ્રાંસ અને જર્મનીના નેતાઓ પણ સામેલ થશે.

આ બધા વચ્ચે તુર્કીએ આંતરરાષ્ટ્રીય સમૂહો સમક્ષ ઈદલિબને નો ફ્લાય ઝોન જાહેર કરવાની રજૂઆત કરી છે. ઈદલિબમાં લડતા યોદ્ધાઓને તુર્કીનું સમર્થન મળેલું છે જે અસદ માટે માથાના દુખાવા સમાન છે. સંપૂર્ણ સીરિયા પર નિયંત્રણ મેળવવા અસદે ઈદલિબ પર કબજો મેળવવો જરુરી છે પરંતુ તુર્કીના કારણે તે શક્ય નથી બની રહ્યું. વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રશિયાએ પોતાના બે જંગી જહાજોને ઈસ્તંબુલ પાસે મોકલી આપ્યા છે. સીરિયાના હુમલાના કારણે રોષે ભરાયેલા તુર્કીએ યુરોપિયન દેશોને પોતે યુરોપમાં પ્રવાસી શરણાર્થીઓનો ધસારો કરાવશે તેવી ધમકી પણ આપી છે.

સીરિયામાં યુદ્ધ દરમિયાન લાખો પ્રવાસીઓ તુર્કી અને આસપાસના યુરોપિયન દેશોમાં પહોંચી ગયા હતા. આશરે 40 લાખ જેટલા સીરિયન શરણાર્થીઓએ તુર્કીમાં આશરો મેળવેલો છે. આ સંજોગોમાં યુરોપ પર દબાણ લાવવા તુર્કીએ પોતે શરણાર્થીઓને યુરોપ મોકલવા રસ્તો ખોલી આપશે તેવી ધમકી આપી છે. 2016માં એક સમજૂતી અંતર્ગત શરણાર્થીઓને યુરોપિયન દેશોમાં પ્રવેશતા અટકાવવા તેમણે તુર્કીને છ અબજ યુરો આપ્યા હતા અને તુર્કીની ધમકી બાદ યુરોપિયન યુનિયને તુર્કીને સમજૂતી પર કાયમ રહેવા અપીલ કરી છે.

Share Now