નવી દિલ્હી તા.5 : કેટલાંક દિવસ પહેલા ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેકશનની અછત દરમ્યાન ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી હજારોની સંખ્યામાં રેમડેસિવીર ઈન્જેકશન મળી આવ્યા હતા.નેતાઓ દ્વારા રેમડેસિવીર ઈન્જેકશન મળવા અને વિતરણ કરવાની અન્ય ઘટનાઓને પગલે દિલ્હી હાઈકોર્ટે આ મામલે એકશનમાં આવી છે અને પોલીસને આદેશ આપ્યો છે કે નેતાઓને કયાંથી રેમડેસિવીર મળી રહ્યા છે.તેની તપાસ કરો અને આ કેસમાં કોઈ અપરાધ થયો હોય તો એફઆઈઆર દાખલ કરો.
ન્યાયમુર્તિ વિપીન સાંધી અને ન્યાયમુર્તિ રેખા પલ્લીની ખંડપીઠે જણાવ્યું હતું કે તે હજુ આ કેસોમાં તપાસ માટે સીબીઆઈ તપાસનો નિર્દેશ નથી દેવા માગતા,અલબત તે અરજદારને પોતાની ફરીયાદ પોલીસ કમિ.સમક્ષ રાખવાનો નિર્દેશ આપ્યો છે.આ અરજી પર આગામી સુનાવણી 17 મે નકકી થઈ છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે નેતાઓને રેમ ડેસિવીર મળી રહી છે.જયારે દર્દીઓ હોસ્પીટલોમાં તેના માટે પરેશાન થઈ રહ્યા છે.આ અરજી હૃદય ફાઉન્ડેશનના ચેર પર્સન દિપકસિંહે રજુ કરી હતી.

