રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૮૬૭૭.૫૫ સામે ૪૮૮૭૭.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૬૧૪.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૭.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૨.૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૯૪૯.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૭૯.૧૦ સામે ૧૪૭૧૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૫૭.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૧.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૮૦.૪૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોના સંક્રમણ નવા સ્વરૂપમાં દેશભરમાં ફેલાઈ રહ્યો હોવાના આવી રહેલા ચિંતાજનક આંકડા અને આ નવા સ્વરૂપમાં કોરોનાની સાથે નવા લક્ષણો પણ સામે આવી રહ્યા હોઈ દેશભરમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઈ રહ્યો હોઈ દેશમાં વ્યાપક લોકડાઉનની સ્થિતિ સર્જાતાં અર્થતંત્ર માટે મોટા જોખમ છતાં આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે મેટલ અને ઓટો શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો.
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં કેસો મોટાપાયે વધવા લાગતાં ચિંતામાં આવી ગયેલી કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા ખાસ વિવિધ રાજ્યોમાં ફરી લોકડાઉન થવા લાગતાં અને અંકુશના આકરાં પગલાંના સંકેત વચ્ચે દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. સરકાર દ્વારા કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન પ્રોગ્રામને વધુ વેગ આપતા તેની પોઝિટિવ અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના તબક્કામાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વધુ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, ઓટો, આઇટી અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૪૭ અને વધનારની સંખ્યા ૧૬૫૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૫૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખી એપ્રિલ માસમાં વિવિધ રાજ્યો દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને પરિણામે દેશના સેવા ક્ષેત્રનો વિકાસ દર મંદ પડી ૩ મહિનાની નીચી સપાટીએ રહ્યો છે. પ્રવાસ પ્રતિબંધને કારણે એપ્રિલ માસમાં વિદેશ વેપાર નરમ રહેતા જાન્યુઆરી બાદ એપ્રિલમાં સેવા ક્ષેત્રનો પીએમઆઈ નીચો જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રનો નિક્કી-આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ જે માર્ચ માસમાં ૫૪.૬૦ રહ્યો હતો તે એપ્રિલ માસમાં સાધારણ ઘટી ૫૪ રહ્યો છે. દેશના અંદાજીત ૧૧ રાજ્યો તથા પ્રદેશોમાં નિયમનકારી પગલાં લેવાયા છે, પરંતુ ગંભીર આર્થિક અસરની ચિંતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર સંપૂર્ણ દેશમાં લોકડાઉન લાગુ કરવાનું ટાળી રહી છે.
ચાલુ સપ્તાહે બજારમાં જોવાયેલી અફડા તફડી બાદ સ્થાનિક સ્તરે આગામી દિવસોમાં કોઈ મહત્વના ઘટનાક્રમના અભાવે ભારતીય બજારો વૈશ્વિક બનાવો અને અમેરિકન બજારના સંકેતો તેમજ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો દ્વારા કરનારા રોકાણ ઉપરાંત અમેરિકન ડોલર સામે રૂપિયાની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવો તથા કોરોના વાયરસના કેસોની સંખ્યા પર પણ ભારતીય શેરબજારની નજર રહેશે.


