ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ધારસભ્યો દ્વારા પૂછવામાં આવતા સવાલોનો સરકાર જવાબ આપે છે. ત્યારે એક ધારાસભ્યએ વાઈબ્રન્ટ સમિટમાં થયેલા MOU બાબતે સવાલ કરતા રાજ્ય સરકારે 5 હજાર કરોડ રૂપિયા કરતા વધારેના MOU રદ્દ થયા હોવાની માહિતી આપી હતી.
રિપોટ અનુસાર કપડવંજના કોંગ્રેસના ધારાસભ્ય કાળું ડાભીએ વર્ષ 2015 અને 2017ના વાઈબ્રન્ટ સમિટમાં થયેલા MOU બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કાળુ ડાભીના સવાલમાં સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, વર્ષ 2015માં 10 અને વર્ષ 2017માં 12 MOU થયા હતા. આ તમામ MOU સિવિલ એવિએશન ક્ષેત્રમાં થયા હતા અને આ તમામ 5426.50 કરોડ રૂપિયાના MOU રદ્દ થયા હોવાનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં મૂડી રોકાણને વધારવા માટે અને દેશ-વિદેશના નવા પ્રોજેક્ટના શરૂ કરવા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત વિધાનસભામાં બીજા દિવસે રાજ્યના દેવાનો પણ પ્રશ્ન ઉઠ્યો હતો. રાજ્યના દેવાની વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ ગુજરાતનું દેવું 2.40 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. વર્ષ 2017-18માં દેવામાં 13,253 કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2018-19માં દેવામાં 28,061 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2017-18માં સરકારે દેવાનું 17,146 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું તો 2018-19માં સરકારે દેવાનું 18,124 કરોડનું વ્યાજ ચૂકવ્યું હતું. સરકાર દ્વારા લોનના વ્યાજની ચૂકવણીમાં 4.75થી 13%નો દર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મોંઘા થયેલા મેડીકલ શિક્ષણનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠ્યો હતો.