સુરતની નર્સ અને તેના પિતાએ 40 હજારનું ટોસિલિઝુમેબ ઇન્જેક્શન 2.70 લાખમાં વેચ્યું પછી…

299

કોરોનાની મહામારી વચ્ચે દવા અને ઇન્જેક્શનની કાળાબજારીના કિસ્સા અવાર નવાર સામે આવ્યા છે.કેટલાક તત્ત્વો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને 5થી 10 હજાર રૂપિયામાં મળતા ઇન્જેક્શનો 50થી 60 હજાર રૂપિયામાં વેચાતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ઇન્જેક્શનની કાળાબજારીનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે કે,જેમાં 35થી 40 હજાર રૂપિયાની કિંમતે મળતા ઈન્જેક્શનનો સોદો એક હોસ્પિટલની નર્સે 3 લાખ રૂપિયામાં કર્યો હતો.

આ ઘટના સુરતની છે.સુરતમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હેતલ કથીરિયા 35000થી 40,000 હજાર રૂપિયાની કિંમતે મળતા ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શનનું વેચાણ કાળા બજારમાં કરતી હતી.સુરતના એક વ્યક્તિ ગત શનિવારના રોજ નર્સ હેતલ કથીરિયાનો સંપર્ક કરીને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની માગણી કરી હતી ત્યારે હેતલે ઈન્જેકશન આપવા માટે ત્રણ લાખ રૂપિયાની માગણી કરી હતી અને સામેના વ્યક્તિએ રકઝક કરતા આખો આ સોદો 2.70 લાખમાં નક્કી થયો હતો.

2.70 લાખમાં ઇન્જેક્શન લેવાનું નક્કી થતાં શનિવારે બપોરે નર્સ હેતલ કથીરિયાએ તેના પિતાને ઉધના મગદલ્લા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ નીચે વ્યક્તિને ઇન્જેક્શનની ડિલિવરી આપવા માટે મોકલ્યા હતા પરંતુ વ્યક્તિએ ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઇસમોને પકડાવવા માટે પોલીસની ટીમને સાથે રાખીને હતી. પોલીસ દ્વારા ઇન્જેક્શનની લેતી દેતી સમયે રસિક કથીરિયા અને તેની સાથે આવેલા વ્રજેશ મહેતા નામના એક સાગરીતની અટકાયત કરી હતી.ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી કરનારા બે ઈસમની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા ટ્રાઇસ્ટાર હોસ્પિટલની નર્સ હેતલ કથીરિયા ન શોધખોળ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ ટોસિલિઝુમેબ અસલી છે કે નકલી તેની માહિતી મેળવવા માટે પોલીસે ડ્રગ્સ વિભાગની પણ મદદ લીધી છે.

આ ઘટનાને અંતે ઉમરા પોલીસ દ્વારા આરોપીઓ સામે IPCની કલમ 420, 114 અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3, 7, 11 અને સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 53 સાથે જ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ 27 મુજબનો ગુનો નોંધ્યો છે.સુરત પોલીસ કમિશનર દ્વારા આ બાબતે કહેવામા આવ્યું હતું કે, કાળાબજારી કરનાર કોઇ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, આ નર્સે 28 એપ્રિલના રોજ એક દર્દીના સગા સંબંધીઓને ટોસિલિઝુમેબ 2.30 લાખમાં આપ્યું હતું. સુરત મહાનગરપાલિકામાં કામ કરતા કર્મચારીને કોરોનાની સારવાર માટે ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 26 એપ્રિલના રોજ આ વ્યક્તિની તબિયત ખરાબ થતાં ડોક્ટર દ્વારા ટોસિલિઝુમેબ લખી આપવામાં આવ્યુ હતું પરંતુ પરિવારના સભ્યોને ઇન્જેક્શન મળ્યુ ન હતું.ત્યારબાદ હોસ્પિટલમાં કામ કરતી હેતલ નામની એક નર્સે દર્દીના પરિવારનો સંપર્ક કર્યો હતો અને ઇન્જેક્શનની વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપ્યું હતું. બે દિવસ બાદ એટલે દર્દીનું આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મગાવ્યા હતા. ત્યારબાદ એક વાગ્યે મોબાઈલ નંબરથી આપીને ઇન્જેક્શનની વ્યવસ્થા થઈ જશે તેવું જણાવ્યું હતું.તે સમયે દર્દીના પરિવારના સભ્યોને ઇન્જેક્શન 2.35 લાખમાં આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.દર્દીનો જીવ બચી શકે એટલા માટે સ્વજનો આટલી મોટી કિંમત આપીને ઇન્જેક્શનની ખરીદી કરી હતી.દર્દીના પરિવારના સભ્યોએ 28 એપ્રિલની રાત્રે નાણા ચુકવ્યા હતા અને બીજા દિવસે દર્દીના પરિવારના સભ્યોને રિંગરોડ ખાતે રઘુવીર માર્કેટ નજીક 1 લેબમાં કામ કરતા વ્યક્તિએ ગ્લાસમાં બરફ મૂકીને ઇન્જેક્શન આપ્યું હતું. ત્યારબાદ દર્દીના પરિવારના સભ્યો ઇન્જેક્શન ડોક્ટરોને આપતા તેમણે ICUમાં સારવાર લઈ રહેલા દર્દીને ઇન્જેક્શન આપ્યું હતું.આ ઇન્જેકશન આપ્યા બાદ પાલિકામાં કામ કરતા કર્મચારીનું ઓક્સિજન લેવલ સતત નીચે જતા 4 મેના રોજ આ દર્દીનું મૃત્યુ થયું હતું.

Share Now