મમતાના ગઢમાં અમતિ શાહનો હુંકાર, CAA મુદ્દે પીછેહઠ નહીં કરીએ

349

ગૃહમંત્રીએ રેલીમાં કહ્યું – આગામી વિધાનસભા ચૂંટણીમાં બંગાળમાં ભાજપ બે તૃતિયાંશ બહુમત સાથે સરકાર બનાવશે

એજન્સી, કોલકાતા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નાગરિકતા સુધારણા કાયદો (સીએએ), કાશ્મીર, રામ મંદિર, શ્યામા પ્રસાદ મુખરજીના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર પ્રહારો કર્યા હતા. મમતાના ગઢ કોલકાતામાં અમિત શાહે ગર્જના કરતા કહ્યું કે દેશની સંસદે ઘડેલા સીએએ કાયદાનો પશ્ચિમ બંગાળની ટીએમસી સરકાર વિરોધ કરી રહી છે પરંતુ અમે આ કાયદાને લઈને પીછેહઠ નહીં કરીએ. તેમણે જણાવ્યું કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતિથી સરકાર બનાવશે.

અમિત શાહે જણાવ્યું કે, ‘મમતા બેનરજી જ્યારે વિપક્ષમાં હતા તો તેમણે શરણાર્થિઓ માટે નાગરિકતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએએ લાવ્યા તો તેઓ એક વખત ફરી કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે વિરોધ કરવા લાગ્યા છે. મમતા બેનરજી લઘુમતિઓમાં ડર ઉભો કરી રહ્યા છે કે તેઓ પોતાની નાગરિકતા ગુમાવી દેશે. હું લઘુમતિ સમુદાયના તમામ લોકોને આશ્વસ્ત કરું છું કે સીએએ ફક્ત નાગરિકતા આપવા માટે છે અને છીનવવા માટે નથી. આ કાયદો કોઈપણ પ્રકારે તમને પ્રભાવિત નહીં કરે.’

કોલકાતાના શહીદ મેદાનમાં સીએએ સમર્થનમાં આયોજીત રેલીમાં શાહે જણાવ્યું કે, ‘પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતિ સાથે સરકાર બનાવશે. બંગાળમાં જ્યારે પ્રચાર કરવા આવ્યા તો અમને પ્રચાર કરવા મંજૂરી અપાઈ નહતી. ગોળી વરસાવાવમાં આવી, હેલિકોપ્ટર ઉતરવા ના દીધું. 40થી વધુ કાર્યકરોએ જીવ ગુમાવ્યા. મમતાજી આ બધું કરીને તમે શું અમને રોકી શક્યા? તમે જે કરવા ઈચ્છો છો તે કરો. પ્રજા તમારું વલણ સમજી ગઈ છે. આ રેલી મમતા અને તેમની પાર્ટીના ગુંડાઓ વિરુદ્ધ છે. ભાજપ એક અભિયાન લઈને નીકળ્યો છે હવે અન્યાય સહન નહીં કરીએ. આ નારો પશ્ચિમ બંગાળમાં સરકાર ઉથલાવવા માટેનો છે.’
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, ‘જ્યારે અમે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના મેદાનમાં હતા તો મમતા દીદી કહેતા હતા કે, ડિપોઝીટ બચાવી લેજો. મમતા બેનરજી આંકડાઓ જોઈ લો, આગામી વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે બંગાળમાં ભાજપ સરકાર રચશે. 2014માં ભાજપને 87 લાખ મત મળ્યાહતા અને 2019માં 2.3 કરોડ થયા છે. રાજ્યમાંથી ભાજપના 18 સાંસદ ચૂંટાયા છે.’

Share Now