– અમદાવાદમાં ગેંગ મારફત અનેકને ફસાવી 26.55 લાખ પડાવવાના ગુનામાં પકડાયેલી
– રાજકોટમાં વર્ષ 2014માં ફરજ સમયે આધેડને દુષ્કર્મની ખોટી અરજીમાં ફસાવી 6.50 લાખ માગ્યા તા : 2 લાખનો પહેલો હપ્તો સ્વીકારતા ACB ના છટકામાં સપડાઈ ગઈ હતી
અમદાવાદ : ગુજરાત પોલીસનું માથુ શરમથી ઝૂકી જાય તેવી વધુ એક ઘટના સામે આવી છે.અમદાવાદમાં રંગીન મીજાજીઓને યુવતીઓ મારફત હનીટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાના તોડ કરવાના ગુનામાં ઇસ્ટ મહિલા પોલીસ મથકનાના તત્કાલીન મહિલા પીઆઇ ગીતા પઠાણ સહિત પાંચ આરોપીની ધરપકડ થઇ છે.આ પ્રકરણમાં વધુ કેટલાક પોલીસ કર્મચારીઓની ધરપકડની સંભાવના જોવાઇ રહી છે.હનીટ્રેપ ગેંગની સૂત્રધારી તરીકે જેની ધરપડક થઇ છે એ મહિલા પીઆઇ ગીતા પઠાણ 7 વર્ષ પૂર્વે રાજકોટમાં પણ આ પ્રકારે યુવતીઓની મદદથી ખોટી અરજીઓ કરાવીને રૂ. 2 લાખની લાંચ લેવાના ગુનામાં પકડાઇ ચૂકી છે.
અમદાવાદમાં સોશિયલ મીડીયા મારફત યુવતી દ્વારા સંપર્કમાં આવેલા લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ગુનામાં ફીટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરતી ગેંગની સૂત્રધાર તરીકે ઇસ્ટ મહિલા પોલીસ મથકના તત્કાલીન મહિલા પીઆઇ ગીતાબાનુ હયાતખાન પઠાણ (ગીતા મકવાણા) હોવાની ક્રાઇમ બ્રાંચને નિકોલના એક આધેડની અરજી મળી હતી.આ અરજીના આધારે કમિશનર સંજય શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી. ચુડાસમાએ હનીટ્રેપ ગેંગના જીતેન્દ્ર ઉર્ફે જીતુ નાથાલાલ મોદી,બિપીન શનાભાઇ પરમાર (ઉપાધ્યાય), ઉન્નતિ ઉર્ફે રાધિકા રાકેશભાઇ રાજપૂત અને જાનવી ઉર્ફે જીનલ આનંદસિંહ પઢિયારની ધરપકડ કરી હતી.પકડાયેલા ચારેયની પૂછપરછમાં સૂત્રધાર તરીકે ઇસ્ટ મહિલા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ ગીતા પઠાણના ઇશારે કામ કરતા હોવાની ચોંકાવનારી વિગત ખુલી હતી. જોકે પોલીસથી બચવા અજ્ઞાતવાસમાં ઉતરી ગયેલા મહિલા પીઆઇ ગીતા પઠાણ રાજકોટમાં હોવની સચોટ માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રાજકોટમાં છાપો મારીને ગીતા પઠાણની ધરપકડ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા પીઆઇ ગીતા પઠાણે તેની ગેંગના સભ્યો મારફત અનેક લોકોને ફસાવીને અત્યાર સુધીમાં 26.55 લાખ પડાવ્યાની વિગતો બહાર આવતા વિશેષ તપાસ થઇ રહી છે.
આ પ્રકરણમાં વધુ કેટલાક પોલીસ કર્મચારીની ધરપકડ તોળાઇ રહી છે.આ ગેંગના ભોગ બનેલા અન્ય કેટલાક આધેડ પણ પોલીસનો સંપર્ક કરવાના પ્રયાસમાં હોવાનું જાણવા મળે છે.હનીટ્રેપ ગેંગની ગેંગ લીડર ગીતા પઠાણ વર્ષ 2014 માં રાજકોટ પીએસઆઇ તરીકે ફરજમાં હતા ત્યારે મહિલા પોલીસ મથકમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે નિમણૂંક થઇ હતી.રાજકોટમાં પણ તેણે યુવતીઓ મારફત લોકોને ફસાવીને ખોટી અરજીઓ કરાવ્યા બાદ સામાવાળાઓને ગુનો દાખલ કરવાની ધમકી આપીને તોડ શરૂ કર્યા હતા.એ સમયે પણ ગીતા પઠાણે સુરેન્દ્રનગરના પાણશીણાના રઘુવીરસિંહ પરમાર વિરૂધ્ધ સુરતમાં મોડેલીંગનું કામ કરતી હેતલ પટેલ અને પલક નામની યુવતીના નામે કહેવાથી અરજી તૈયાર કરી હતી.આ અરજીના આધારે રઘુવીરસિંહને પૂછપરછ માટે બોલાવ્યા બાદ બળાત્કારના ગુનામાં ફીટ કરવાની ધમકી આપીને કેસ નહીં કરવાના રૂ. 6.50 લાખની માગણી કરી હતી.લાંચની આ રકમના પહેલાં હપ્તા પેટે રૂ. બે લાખની લાંચ સ્વીકારતી વેળાએ ગીતા પઠાણ અને લોક રક્ષક હસમુખ સુરેશ વોરાન એસીબીના છટકામાં સપડાઇ ગયા હતા.( નોંધનીય છે કે આ કેસની તપાસમાં હેતલ કે પલક નામની કોઇ યુવતીઓનો પત્તો લાગ્યો ન હતો!)
મહિલા પીઆઇની ગેંગની પૈસા પડાવવાની મોડસ ઓપરેન્ડી..
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, અમદાવાદમાં ઇસ્ટ મહિલા પોલીસ મથકના તત્કાલીન પીઆઇ ગીતા પઠાણે હનીટ્રેપમાં લોકોને ફસાવીને પૈસા પડાવવા યુવક,યુવતીઓની રીતસર ગેંગ બનાવી હતી.ગેંગની સ્વરૂપવાન યુવતીઓ સોશિયલ મીડીયામાં પોતાના અશ્લિલ ફોટા અને વિડીયો મૂકીને તેના સંપકમાં આવતા લોકોને ફસાવતી હતી.જાળમાં ફસાયેલા શોખીનને પોતે સંબંધીના ઘરે આવી છે તેમ કહીને મળવાના બહાને અગાઉથી નક્કી કરેલા ગેસ્ટહાઉસ,હોટલમાં બોલાવીને રૂમમાં કામૂક હરકતો કરીને ઉત્તેજીત કરતી હતી.કેટલાક કિસ્સામાં શિકારને ખંખેરી લેવા શરીર સંબંધ પણ બાંધ્યા હતા.મોજ કરવા આયેલા આધેડની જાણ બહાર કામલીલાનું શુટીંગ કરી લેવાતું હતું. મોજ મજા કરનાર આધેડને બે દિવસ પછી ઇસ્ટ મહિલા પોલીસ મથકમાંથી ફોન કરાવવામાં આવતો.ફોન કરનાર કર્મચારી આધેડને તમારી વિરૂધ્ધ દુષ્કર્મની અરજી છે તેમ કહી નિવેદન માટે બોલાવતા.નિવેદન માટે આવનાર આધેડને પીએસઆઇ અને મહિલા કર્મીઓ ગુનો દાખલ કરવાનો ભય બતાવીને પતાવટ માટે લાખ્ખો રૂપિયાની માગણી કરે. શિકાર ડરી ગયાનું જણાય એટલે તેને મહિલા પીઆઇ ગીતા પઠાણની ચેમ્બરમાં લઇ જવાતા જ્યાં ગીતા પઠાણ ગંદી ગાળો બોલીને જેલમાં ધકેલી દેવાની ધમકી આપીને 8-10 લાખનો તોડ કરતી હતી.