ઘર પર રોકેટ પડ્યું તે સમયે સૌમ્યા પોતાના પતિ સાથે વીડિયો કોલમાં વાત કરી રહી હતી
નવી દિલ્હી, તા. 15 મે : પેલેસ્ટાઈની આતંકવાદી સંગઠન હમાસના રોકેટ હુમલાનો શિકાર બનેલી 30 વર્ષીય ભારતીય નર્સ સૌમ્યા સંતોષના અવશેષો નવી દિલ્હીના એરપોર્ટ પહોંચી ગયા છે.અગાઉ ભારતીય દૂતાવાસે ટ્વીટમાં લખ્યું હતું કે, સૌમ્યાના શરીરના અવશેષો લઈને એક વિમાન શુક્રવારે આશરે 7:00 કલાકે બેન-ગુરિયન એરપોર્ટથી રવાના થયું.આ વિમાન શનિવારે સવારે દિલ્હી પહોંચે તેવી શક્યતા છે.
દિલ્હી એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરન અને ઈઝરાયલના નાયબ રાજદૂત યેડિલ્ડિયા ક્લેન પોતે ઉપસ્થિત રહ્યા હતા.આજ જ આ અવશેષોને દિલ્હીથી કેરળ સૌમ્યાના ગૃહ જિલ્લા ઈડુક્કી માટે રવાના કરી દેવામાં આવશે.સૌમ્યા ઈઝરાયલના દક્ષિણ તટીય શહેર એશ્કેલૉનના એક ઘરમાં એક 80 વર્ષીય વૃદ્ધ મહિલાની નર્સ તરીકે કામ કરતી હતી.સોમવારે સાંજે જ્યારે હમાસ આતંકવાદીઓએ ગાઝા શહેરથી એશ્કેલૉન પર રોકેટ હુમલો કર્યો તે સમયે સૌમ્યા પોતાના પતિ સાથે વીડિયો કોલમાં વાત કરી રહી હતી.રોકેટ સીધું તે મકાન પર પડવાથી સૌમ્યા મૃત્યુ પામી હતી.આ હુમલામાં સૌમ્યા જેમની સંભાળ રાખતી હતી તે વૃદ્ધ મહિલા ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં સારવાર અંતર્ગત છે.છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં કામ કરતી સૌમ્યાને એક 9 વર્ષનો દીકરો પણ છે જે તેના પતિ સાથે કેરળમાં રહે છે.