નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને યોગગુરુ બાબા રામદેવને ડોક્ટરો અંગે તેમણે કરેલી વાંધાજનક ટિપ્પણી પાછી ખેંચવા કહ્યું છે.બાબા રામદેવે કહ્યું હતું કે કોરોના કરતાં આધુનિક મેડિકલ સારવારને કારણે લોકો વધુ મર્યા છે. ડો.હર્ષવર્ધનની તાકીદ પછી રામદેવે પોતાનું નિવેદન પાછું ખેચ્યું.
ડો. હર્ષવર્ધને બાબા રામદેવને બે પાનાનો પત્ર લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે ‘તમે એલોપેથિક મેડિસિન અંગે જે ટિપ્પણી કરી છે તેનાથી દેશની જનતાને ખૂબ જ દુઃખ થયું છે.મેં ફોન પર પણ તમને આ લાગણી દર્શાવી છે.ડોક્ટરો અને હેલ્થ વર્કર્સ કોરોનાના દર્દીઓ માટે ભગવાન છે જેઓ આ મહામારી સામે પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરી રહ્યા છે.’આરોગ્યમંત્રીએ પત્રમાં વધુમાં લખ્યું છે કે ‘તમે કોરોના વોરિયર્સનું અપમાન કર્યું છે, એટલું જ નહીં, દેશની જનતાની લાગણી પણ દુભાવી છે. ગઈકાલે તમે જે સ્પષ્ટતા કરી તે પૂરતી નથી….મને આશા છે કે તમે વધુ ગંભીરતાથી વિચારશો અને તમારા નિવેદનો સંપૂર્ણપણે પાછા ખેંચી લેશો.’
ઉલ્લેખનીય છે કે બાબા રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો,જેમાં તેમણે કહ્યું હતું કે લાખો લોકો એલોપેથિક સારવારને કારણે મર્યા છે કારણ કે તેમને યોગ્ય સારવાર કે ઓક્સિજન મળ્યા નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે એલોપથી એક ‘સ્ટુપિડ અને દેવાળું ફૂંકે તેવું’ સાયન્સ છે.આ નિવેદનને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ ગંભીરતાથી લીધુ હતું અને બાબા પાસે લેખિત માફીની માગણી કરી હતી.