‘ભડકાઉ ભાષણ’ મામલે કાનૂની જોગવાઈ- સજા નિયત થશે

302

નવી દિલ્હી તા.27 : ભડકાઉ ભાષણ (હેટ સ્પીચ) અથવા કોઈ ઉશ્કેરણીજનક વિધાનો કરનારાને જેલની હવા ખાવાનો વખત આવે તેવા દિવસો દૂર નથી.કેન્દ્રીય ગૃહમંત્રાલયે રચેલી સમીતીએ ભારતીય દંડ સંહિતા (ઈન્ડીયન પીનલ કોડ)માં આ સંબંધી કાનૂની જોગવાઈઓને સામેલ કરવાની ભલામણ કરી છે.ભડકાઉ ભાષણના સંખ્યાબંધ કેસો અદાલતમાં પેન્ડીંગ છે તેવા સમયે સરકાર દ્વારા તેને કાનૂની જોગવાઈઓમાં સામેલ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.અત્યાર સુધીના કેસોમાં કાર્યવાહી કરવાના મામલે જુદી-જુદી તપાસ એજન્સીઓ વચ્ચે ગુંચવણ છે. દેશમાં હેટસ્પીચ સામે કોઈ નિયત કાયદો નથી.હવે આઈપીસીમાં ભડકાઉ ભાષણની વ્યાખ્યા અને તેમાં સજાની જોગવાઈ નિયત કરવામાં આવશે.

હેટ સ્પીચ (ભડકાઉ ભાષણ)ને લગતા અનેક કેસો જુદી-જુદી અદાલતોમાં છે એટલે તેની વ્યાખ્યા નકકી કરવાનું સમીતી માટે પડકારરૂપ છે.સુત્રોએ એમ કહ્યું છે કે સમીતીએ જે ભલામણ રીપોર્ટ આપ્યો છે તેમાં ‘હેટ સ્પીચ’નો શબ્દપ્રયોગ કરવામાં આવ્યા નથી. પરંતુ કયારે-કયારે અને કેવા વિધાનોને ‘ભડકાઉ’ ગણવા તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.સામાન્ય ટીકાને ભડકાઉ ભાષણ કે વિધાનો ન ગણવા તથા તેનો દુરુપયોગ રોકવા માટે જરૂરી જોગવાઈઓ સૂચવ્યાનો દાવો પણ કરવામાં આવ્યો છે.સુત્રોએ એમ કહ્યું કે ભડકાઉ ભાષણ માટે કાયદો ઘડવાનો અગાઉ પણ પ્રયાસ થયો હતો.ઘણા વર્ષોથી આ દીશામાં કાર્યવાહી થવા છતાં કોઈ પરિણામ આવ્યુ નથી.ચૂંટણી પંચ દ્વારા પણ ચૂંટણી દરમ્યાન હેટ સ્પીચ રોકવા માટે સરકારને વિસ્તૃત માર્ગદર્શિકા આપવા સાથે કડક કાયદો ઘડવા સૂચવાયુ હતું. પરંતુ આજ દીવસ સુધી સરકારે કાંઈ કદમ ઉઠાવ્યા નથી.2019માં સોશ્યલ મીડીયા પર હેટસ્પીચ,અપશબ્દો,ધમકી તથા અફવા પર નિયંત્રણ માટે નિષ્ણાંત કમીટીએ ભલામણ રીપોર્ટ સરકારને સોંપ્યો હતો.પરંતુ તેમાં પણ કોઈ આખરી નિર્ણય થયો નથી.

Share Now