– ઓપીજી મશીન બંધ હોવાથી દાંતના એકસ-રે માટે દર્દીઓને સ્મીમેરમાં લઈ જવાની નોબત, નવા મશીનની માંગ
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર શરૃ કરાયા છે. એક ઓ.ટી.માં સર્જરી કરવામાં વધુ સમય લાગે તો બીજા દર્દીને બીજી ઓ.ટી.માં સર્જરી શરૃ કરી શકાય છે. છેલ્લા 5 દિવસમાં સિવિલમાં 80 દર્દીઓની સર્જરી ડોક્ટરની ટીમે કરી છે.
તા.23મીએ 13, તા.24મીએ 15, તા.25મીએ 22 અને તા.26મીએ 20 અને આજે 10 દર્દીઓ સર્જરી થઇ છે.સિવિલમાં મ્યુકોર માયકોસિસનાં 129 દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાં અત્યાર સુધીમાં નાના-મોટા મળીને 140 દર્દીની સર્જરી ઇ.એન.ટી, આંખ તથા દાંત, એનેસ્થેસીયા સહિતના વિભાગના ડોક્ટરોની ટીમે કરી છે એમ તબીબી અધિક્ષક ડો.રાગીણીબેન વર્માએ કહ્યુ હતુ.
જયારે બીજી તરફ નવી સિવિલ ખાતે રેડીયોલોજી વિભાગમાં ઉપર નીચેના જડબાના ઓર્થો પેન્ટોમોગ્રાફી(ઓ.પી.જી) મશીન એટલે એક્સ-રે મશીન લાંબા સમયથી ખોટકાઇ ગયેલુ છે.નવા મશીનની માંગ કરાઇ છે.પણ ત્યાં સુધી મ્યુકોરના દર્દીઓને ઓપીજી કરાવવા માટે એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલ લઇ જવાશે.


