ગુજરાતના માછીમારો આનંદો!, ઈતિહાસમાં પહેલીવાર વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો માટે મોટું પેકેજ જાહેર

234

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે

રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉતે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂર્ન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ,રાજુલા,સૈયદરાજપરા,શિયાળબેટ,નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો.આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ,મોટા ટ્રોલર,હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માછીમાર પરિવારો પર તાઉતે વાવાઝોડાના કારણે આવેલી આ વિપદામાં પડખે ઊભા રહેવાની સંપૂર્ણ સંવેદના સાથે આ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ,ટ્રોલર,ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે.

મુખ્યમંત્રીએ જાહેર કરેલા આ મત્સ્યોદ્યોગ રાહત-સહાય પેકેજની મુખ્ય બાબતો આ મુજબ છે

– બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

– અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૩૫,૦૦૦ સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

– જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના ૫૦% અથવા રૂ. ૭૫,૦૦૦ બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.

– અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં ૫૦% અથવા રૂ. ૨.૦૦ લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.

– આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

– પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.

– ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઇએ તો નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.જો માછીમારો અંશત: નુકશાન પામેલ મોટી બોટની મરામત માટે રૂ. ૫.૦૦ લાખ સુધીની બેંક લોન મેળવે તો તેના પર વાર્ષિક ૧૦% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.તેજ રીતે પૂર્ણ નુકશાન પામેલી મોટી બોટની મરામત માટે રૂ. ૧૦.૦૦ લાખ સુધીની બેંક લોન માછીમારો દ્વારા મેળવવામાં આવે તો તેના પર વાર્ષિક ૧૦% સુધીની વ્યાજ સહાયબે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.આમ, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં આશરે ૧૦૦૦ નાની મોટી બોટને થયેલા નુકશાન સામે રાજ્ય સરકાર સહાય પેકેજમાં સુચવેલા ધારાધોરણ અનુસાર માછીમારોને રૂપિયા 25 કરોડ સહાય ચૂકવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, તાઉતે વાવાઝોડા દરમ્યાન દરિયાકાઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુકશાનની મરામત અને નવિનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે.તદઅનુસાર રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે તે આ મુજબ છે.

જાફરાબાદ

– હયાત જેટીનું વિસ્તરણ કરી ૫૦૦મી. લંબાઈની નવી જેટી બનાવવી.
– બ્રેક વોટરની દુરસ્તી
– લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
– ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
– હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત

શિયાળબેટ

– નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ
– ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.

સૈયદ રાજપરા

– વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ
– ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.

નવાબંદર

– જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ
– ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
– મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.

રાજ્ય સરકારે જાહેર કરેલા કુલ 105 કરોડ રૂપિયાના રાહત સહાય પેકેજમાંથી તાઉતે વાવાઝોડાના કારણે માળખાકીય સુવિધાઓને થયેલા નુક્સાનમાંથી માળખાકીય સુવિધા પુન: કાર્યરત કરવા અને સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા મજબુતીકરણ માટે રૂ. ૮૦ કરોડ નો ખર્ચ થશે

Share Now