અહો આશ્ચર્યમ!! મોરબીમાં એક યુવાને જિલ્લા કલેકટર અને SPને લેખિત રજૂઆત કરીને દારૂ વેચવા મંજુરી માંગી છે.વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા યુવાને દારૂ વેચવા મંજુરી માંગીને આમ તો બેફામ વેચતા દારૂ મુદ્દે તંત્રને ટકોર કરી છે અને કટાક્ષની ભાષામાં પોલીસ દ્વારા મોટા હપ્તા લેવાતા હોવાનો સણસણતો આક્ષેપ પણ લેખિતમાં કરી તંત્રના ગાલ પર ના દેખાય એવો તમાચો માર્યો છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મોરબીના લીલાપર ગામે રહેતા ગૌતમ મકવાણા નામના યુવાને જિલ્લા કલેકટર અને SPને લેખિત રજૂઆત કરી છે.વ્યવસાયે લેબર કોન્ટ્રાકટર એવા ગૌતમભાઈ પોતે સામાજિક સેવા કરતા હોવાના દાવા સાથે દારૂ વેચવાની મંજુરી માંગતી રજૂઆત લેખિતમાં કરી છે.તેમના જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં બેફામ રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને પોલીસ તંત્રને હપ્તા આપીને દારૂ વેચવામાં આવી રહ્યો છે.તેથી જ તેમને પણ તાત્કાલિક દારૂ વેચવા મંજુરી આપવી જોઈએ એવી માંગ કરી છે.અને સાથો સાથ આ માટે જે પણ પૈસા આપવા પડે એ માટે તેઓ તૈયાર છે.
દારૂબંધીના નામે જે રીતે હપ્તાખોરીથી દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ થવું જોઈએ અન્યથા તેમને પણ દારૂ વેચવા માટે મંજુરી આપવી જોઈએ.આ રજૂઆતથી સમગ્ર મોરબી તંત્રમાં ચકચાર મચી છે.એક સમય યુવાને આવી રજૂઆત કરીને તંત્રના ગાલ પર જોરદાર તમાચો માર્યો છે.હવે આ રજૂઆત બાદ તંત્ર શું કરે છે એ જોવાનું રહ્યું છે.


