અમદાવાદ : મહેસાણાની વિમલ ઓઈલ એન્ડ ફુડ લિમિટેડ ખાદ્યતેલ કંપનીએ BOI સહિત નવ બેંકોના કોન્સોર્ટિયમ સાથે ૬૭૮ કરોડનું કૌભાંડ આચરવાના મામલે ભોપાલ સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.જેમાં BOIના પાંચ ઓડિટર મારફતે વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડ કંપનીના વ્યવહારોની તપાસ કરાવી હતી.જેમાં તમામે કંપની દ્વારા મોટાપાયે બોગસ વ્યવહારો કર્યા હોવાનો રિપોર્ટ આપ્યા હતા.બેંક ઓફ ઈન્ડીયાના ઓડિટરને વર્ષ ૨૦૧૫માં કેટલાક વ્યવહારો અંગે શંકા ગઈ હતી. વિમલ ઓઈલ એન્ડ ફુડ લિમિટેડે પોતાની પસંદગીની જ પાર્ટીઓ સાથે ખરીદ વેચાણના ડિસ્કાઉન્ટમાં ટ્રાન્ઝેકશન કર્યા હોવાનું ચોપડે દર્શાવ્યુ હતુ.જેના પગલે બેંકે સ્પેશયલ ઓડિટર મારફતે ઓડિટ કરાવ્યુ હતુ.જેમાં પણ વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડના જયેશ સી.પટેલ સહિતનાએ પાંચ પાર્ટી સાથે ખરીદ-વેચાણના વ્યવહારો કર્યા હતા.જેમાંથી ફંડ કોન્સોર્ટિયમ નવ સિવાયના છ બેંકમાં ડાયવર્ટ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ બેંક ઓફ ઈન્ડીયાએ ગત તા. ૧-૪-૨૦૧૫ થી ૩૧-૩-૨૦૧૬ સુધી વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડના બેંકના ખાતા સંદિગ્ધ તરીકે મુકી દીધા હતા.
BOI દ્વારા વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડના બેંકના વ્યવહારો અંગે ફોરેન્સીક ઓડિટ કરાવવાનું નક્કી કરીને દીલ્હીના સત્યપ્રકાશ મંગલ એન્ડ કંપનીને સોંપ્યુ હતુ.જેનો રિપોર્ટ ગતતા.૮-૫-૨૦૧૭ના રોજ આવ્યો હતો. જેમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડ અને તેના ડાયરેકટોએ કોન્સોર્ટિયમ નવ સિવાય અન્ય છ બેંકોમાં ખરીદ વેચાણ કરીને ફંડ પોતાના ખાતામાં પરત લાવ્યા હતા.મોટાભાગના ખરીદ વેચાણની કાર્યવાહી પોતાની કંપની અથવા સગાના નામે કરવામાં આવ્યા હતા.તેમજ એક જ દિવસમાં ક્રેટિડ મેળવીને તુરત ડેબીટ કર્યા હતા.આ ઉપરાંત વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડના બેંકના વ્યવહારો જોતા સ્પષ્ટ રીતે ગેરરીતીઓ આચરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ દરમ્યાન BOIએ સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.પછીથી BOI તથા નવ બેંકો દ્વારા વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડની મિલકતો ટાંચમાં લેવા માટે કાર્યવાહી કરતા ૬૭ કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા.
ભદ્ર BOI ની ફરિયાદ, ભોપાલ CBI માં ગુના નોંધાયા !
અમદાવાદની BOI સહિત નવ બેંકોના કોન્સોર્ટિયમ સાથે ૬૭૮ કરોડનું કૌભાંડ આચનાર વિમલ ઓઈલ એન્ડ ફુડ લીમીટેડ સામે અમદાવાદની ભદ્ર બેંક ઓફ ઈન્ડીયાની મુખ્ય શાખા દ્વારા સીબીઆઈમાં લેખિત ફરિયાદ ૨૧મી મેના રોજ કરી હતી.આ ફરિયાદ મુંબઈ અથવા ગાંધીનગર સીબીઆઈ કચેરીમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોય છે.પરંતુ એમપીના ભોપાલ સીબીઆઈની કચેરીમાં લેખિત ફરિયાદ મોકલવામાં આવી હતી.જેના આધારે ભોપાલ સીબીઆઈ દ્વારા ગુનો નોંધીને ઈન્સ્પેકટર આર.કે.શ્રીવાસ્તવને તપાસ માટે મોકલી આપી હતી.


