ઓક્સિજન વગર તડપી તડપીને મોતને ભેટનાર પત્નીની યાદમાં પતિએ કર્યું એવુ કામ કે લોકો યાદ રાખે

674

– પત્નીની યાદમાં આણંદના ધ્રુવલ પટેલે 10 જુન સુધીમાં 451 વૃક્ષો રોપવાનો નિર્ણય લીધો
– આ મહામારીએ લોકોને ઓક્સિજનનુ મહત્વ સમજાવ્યું, સાથે જ ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ પણ સમજાવ્યું

આણંદ : કોરોનાની મહામારીમાં એપ્રિલ-મે મહિનામાં દર્દીઓની સંખ્યા વધી ગઈ હતી.ત્યારે ઓક્સિજનની અછતને પગલે કેટલાક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા.
તો અનેકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.પરંતુ આ મહામારીએ લોકોને ઓક્સિજનનુ મહત્વ સમજાવ્યું,સાથે જ ઓક્સિજન આપતા વૃક્ષોનું મહત્વ પણ સમજાવ્યું.ત્યારે કોરોના મહામારીની બીજી લહેર બાદ આવેલ પર્યાવરણ દિવસે (environment day) અનેક જાગૃત લોકો વૃક્ષારોપણ તરફ વળ્યા છે.કોરોના મહામારીએ આણંદના ધ્રુવલભાઈની પત્નીને છીનવી લીધા હતા.તેથી જ તેમણે પર્યાવરણ અંગે કામ કરવાનો નિર્ણય લીધો.આજે પત્નીની યાદમાં તેમણે વૃક્ષારોપણ કર્યું છે.

આણંદ શહેરમાં રહેતા ધ્રુવલ પટેલની પત્ની નેહાબેનને ગત મે માસમાં કોરોના થયો હતો.ત્યારે તેઓનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું.તેમની પત્નીને હોસ્પિટલમાં ઓક્સિજન સાથેનો બેડ મળ્યો ન હતો.જેના કારણે નેહાબેનનું 12 મી મેના રોજ મોત નિપજ્યું હતું. જેના પગલે સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો હતો.પરંતું ઓક્સિજનની અછતની વાત ધ્રુવલભાઈના મગજમાં ઘર કરી ગઈ હતી.તેથી જ્યારે પત્નીની પૂજાવિધી માટે તેઓ સિદ્ધપુર ગયા હતા ત્યારે બ્રાહ્મણે તેમને પત્નીની પાછળ કોઇ એક સંકલ્પ લેવા કહ્યું હતું અને મનોમન તેમણે પણ વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ લીધો હતો.

પરિવારજનોએ મૃત્યુ પામેલ નેહાબેનની યાદમાં ભવિષ્યમાં લોકોને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કર્યું છે.આમ તેમણે નેહાબેનને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.ધ્રુવલ પટેલે જણાવ્યું હતું કે, ઓક્સિજનની અછતને કારણે મારી પત્ની અમારી વચ્ચે નથી રહી.ત્યારે પત્નીની યાદમાં 10 જુન સુધીમાં 451 વૃક્ષો રોપવાનો નિર્ણય લીધો છે,ત્યારબાદ ધ્રુવલભાઈ પટેલના પરિવારના સભ્યએ જમીનમાં આંબો,બીલી,આસોપાલવ,દાડમ વગેરે વૃક્ષોના છોડ રોપીને તેનું જતન કરવાની પણ જવાબદારી સ્વીકારી હતી.આમ ધ્રુવલભાઈ પટેલે આજે પર્યાવરણ દિવસ પર વૃક્ષારોપણનો ભાર મૂક્યો.
તેમણે લોકોને જણાવ્યું કે, ઓક્સિજન સૌને મળી રહે તે માટે વૃક્ષારોપણ વધારો. એ જ એકમાત્ર ઉપાય છે.

Share Now