– ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા ઓછી
નવી દિલ્હી, તા. 5 જૂન : ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.છેલ્લા કેટલાક સપ્તાહથી દેશમાં કોરોના સંક્રમણની ગતિ પર બ્રેક લાગતી જણાઈ રહી છે પરંતુ કોવિડ મહામારીના મૃતકઆંકમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.20 લાખ નવા કેસ સામે આવ્યા છે જે 58 દિવસ એટલે આશરે 2 મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા દૈનિક કેસ છે.જોકે મૃતકઆંકની સંખ્યામાં ફરી વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 3,300થી પણ વધારે કોરોના દર્દીઓએ દમ તોડ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.20 લાખ નવા કેસ સામે આવ્યા છે જ્યારે 3.380 દર્દીઓના મોત થયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે દેશમાં પોઝિટિવિટી રેટની તુલનાએ રિકવરી રેટ વધારે હોવાના કારણે કોરોનાના એક્ટિવ કેસનો ગ્રાફ ઘટી રહ્યો છે.ભારતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 લાખ કરતા ઓછી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 5 જૂન, 2021ના રોજ સવારે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં નવા 1,20,529 કેસ સામે આવ્યા છે અને 1,97,894 લોકો સાજા થયા છે.તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,380 લોકો મૃત્યુ પામ્યા છે અને દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2,86,94,879 થઈ ગઈ છે.દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,67,95,549 દર્દીઓ સાજા થઈ ગયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,082 લોકો મૃત્યુ પામ્યા છે.દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 15,55,248 છે જ્યારે અત્યાર સુધીમાં 22,78,60,317 કુલ વેક્સિનેશન થયું છે.

