તળાજા : ભાવનગરમા ચોમાસાનુ આગમન થઈ ગયુ હોય તેમ આજે મંગળવારે સતત બીજા દિવસે તળાજા શહેર પંથકમા મેઘરાજાની તોફાની એન્ટ્રીને કારણે બે કલાકમા પોણા બે ઈંચ પાણી વરસાદી દીધુ હતુ.પંથકના દાઠા,બોરડા,કોદીયા,કુંઢેલી,લોંગડીમા મુશળધાર વરસ્યો હતો.જ્યારે શહેરમા આજે માત્ર વાદળોનુ સામ્રાજ્ય રહ્યુ હતુ.
તળાજા શહેર ઉપર મંગળવારે મેઘરાજા ઓળઘોળ થઈ ગયા હતા.બપોરે એકાએક આવી ચઢેલી મેઘ સવારીએ દે ધનાધન વરસવાનું શરૃ કરી દીધું હતું.પોણા બે કલાકમાં ૪૨ મિ.મિ. વરસાદ વરસી ગયો હતો.પ્રથમ વરસાદે જ તળાજા શહેરના કોર્ટમાં પ્રવેશ દ્વાર અને મેદાનમાં પાણી ભરાઈ જવાના કારણે પાલિકા તંત્રને કોર્ટ હોવાના કારણે તાત્કાલિક પાણી નિકાલ કરવાની નોબત આવી હતી.
લીલાપીરબાપુની દરગાહ નજીક આવેલ ગટરના કુવાની દીવાલ ધરાશાઈ થઈ હોવાનું પાણી વિભાગના પ્રતિનિધિ અશોકભાઈ સગરે જણાવ્યું હતું.તળાજાના વાવચોક,પેટ્રોલપંપ શિવાજી નગરથી ટેક્ષી સ્ટેન્ડ સુધીનો રસ્તો,દાતરડની વાડીનો નીચાણ વાળો ભાગ સહિતના સ્થળો પાણી પાણી થઈ ગયા હતા.પવન,કડાકા ભડાકા વગર શાંત રીતે વરસતા વરસાદમાં ખાસ કરીને ભૂલકાઓ એ ન્હાવાની મજા લીધી હતી.
તળાજા ઉપરાંત કોદીયા,લોંગડી,દાઠા પંથકમાં પણ ધોધમાર વરસાદના પગલે નદી ઝરણાં અને નાળા ઓમાં નવા નીર આવી ગયા હતા.પાણ મેં વરસી ગયા નું જાણવા મળ્યું હતું.બોરડામાં નેવાધાર વરસાદ વરસી ગયો હતો.નવા સાંગાણા,નવી કામરોળ, કુંઢેલી,દેવળીયા વિસ્તારમાં ગઈકાલે સારો વરસાદ વરસી ગયા બાદ આજે પણ મેઘરાજાએ હેત વરસાવ્યૂ હતું.
તળાજા,દાઠામા કલાકો સુધી વીજળી ગુલ
વાવાઝોડાના કારણે વિજવાયર,વિજપોલ ને મોટું નુકસાન થયેલ છે.મરામત કર્યાને હજુ થોડા દિવસ થયા છે.ત્યાં આજે સામાન્ય વરસાદ વરસતા તળાજા અને દાઠામાં વીજળી કલાકો સુધી ગુલ થતા લોકો અકળાયા હતા.
મહુવાની માલણ નદીમા નવા નીર આવ્યા
મંગળવારે મહુવાના મોટા ખુંટવડા,ગોરસ,બોરડી,કીકરિયા સહિતના ગામડાઓમા સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો.મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ હોવાના વાવડ મળ્યા છે.કેટલાક ગામોમા ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા.


