ચીખલી : ચીખલીમાં સમગ્ર જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી જૈન સમાજ વિરૂધ્ધ ખોટો પ્રચાર કરનાર અનોપ મંડલની તપાસ કરી તેના પ્રમુખ સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે અનોપ મંડલ એક જૈન વિરોધી સંગઠન છે.જે રાજસ્થાન,ગુજરાત,મહારાષ્ટ્ર,હરિયાણા,કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ગામડાઓમાં જૈન ધર્મના સાધુ અને સાધ્વીઓના વિરોધમાં લોકોના મનમાં ઝેર ભરવાનું કામ કરે છે.જૈનોને કારણે જ આંતકવાદી હુમલાઓ થાય છે.પર્યાવરણનું પ્રદુષણ પાછળ પણ જૈન ધર્મના અનુયાયીઓનો જ હાથ છે.અનોપ મંડલ સતત જૂથો પ્રચાર કરીને ગામડે ગામડે જૈનોની વિરોધ બળવો અને હિંસા કરવાનું કાર્ય કરી રહ્યા છે.અનોપ મંડળનું કહેવું છે કે જૈન લોકો, જૈન સાધુ અને જૈનોના ભગવાન કાળો જાદુ કરીને દુષ્કાળ લાવે છે. હવે એમનો દાવો છે કે કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારી પણ જૈનો દ્વારા જ લાવવામાં આવી છે.વધુમાં આવેદનપત્રમાં જણાવાયું છે કે જૈન મુનિગણો અને સાધ્વીઓ હંમેશા પગપાળા ચાલે છે.ગયા પાંચ-દસ વર્ષોમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં થયેલ સડક દુર્ઘટનામાં ૧૫૦-થી વધુ જૈન સાધુ-સાધ્વીઓના મૃત્યુ થયા છે. એ દુર્ઘટનાઓમાં અનોપ મંડળનો હાથ હોવાનો ઇનકાર કરવામાં આવતો નથી. જેથી આ સમગ્ર બાબતે અનોપ મંડળની તપાસ કરાવી તેના પ્રમુખ સહિતનાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.