નવી દિલ્હી,તા.૧૪: આવકવેરા વિભાગના નવા ઇ-ફાઇલિંગ પોર્ટલ પર યુઝર્સને તકનીકી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.આ જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ ( CBDT ) એ કરદાતાઓને રાહત આપી છે.હવે કરદાતાઓ ફોર્મ ૧૫ CA અને ૧૫ CB ઇલેકટ્રોનિકલી ફાઇલ કરવાને બદલે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર મેન્યુઅલી સબમિટ કરી શકે છે.
CBDT એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એક અઠવાડિયા પહેલા આવકવેરા વિભાગે કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કર્યું હતું પરંતુ યુઝર્સ તેના પર તકનીકી અવરોધોનો સામનો કરી રહ્યા છે.ગઈકાલે સોમવારે સાંજે એક ટ્વિટમાં આવકવેરા વિભાગે કહ્યું કે, નવા ઈ-ફાઇલિંગ પોર્ટલ http://incometax.gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ ૧૫ CA અને ૧૫ CB ફોર્મ ભરવા માટે ઇલેકટ્રોનિક ફાઇલિંગમાં રાહત આપી છે.’ આ ફોર્મ ૩૦ જૂન, ૨૦૨૧ સુધી અધિકૃત ડીલર મેન્યુઅલ ફોર્મેટમાં સબમિટ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે કરદાતાને સગવડતા મળે તે હેતુથી નવું પોર્ટલ http://incometax.gov.in ૭ મી જૂને શરૂ કરાયું હતું.પરંતુ વપરાશકર્તાઓએ પહેલા દિવસથી પોર્ટલ પર તકનીકી સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું જેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું કે કરદાતાઓ અગાઉના ઇ-ફાઇલ કરેલા રિટર્ન પણ જોઈ શકતા નથી.
ઉહાપોહ થયા બાદ આજે મંગળવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઈન્ફોસિસને આ વેબસાઇટની સમસ્યાઓનું વહેલી તકે અંત લાવવા કહ્યું હતું.સીતારામને ઇન્ફોસીસ અને તેના અધ્યક્ષ નંદન નીલેકણીને વહેલી તકે આવકવેરા વિભાગની નવી ઇ-ફાઇલિંગ વેબસાઇટમાં તકનીકી અવરોધો સુધારવા જણાવ્યું હતું.