– કોરોનામાં પ્રવાસ નિયંત્રણોથી 66 ટકા આવક ઘટી
– ખોટ થવા છતાં એરલાઇન તેના 200 વિમાનનો ઓર્ડર રદ નહીં કરે
દુબઇ : મધ્યપૂર્વની સૌથી મોટી અમીરાત એરલાઇન્સે 5.5 બિલિયન ડોલર એટલે કે અંદાજે 40,500 કરોડ રૂપિયાનું ચોખ્ખું નુકસાન કર્યું હોવાની જાહેરાત કરી છે.કોરોના મહામારીને કારણે મુકવામાં આવેલા પ્રવાસ નિયંત્રણોને કારણે ગયા વર્ષની સરખામણીમાં રેવન્યુમાં પણ 66ટકાનો ઘટાડો નોંધાયો છે.
ત્રણ દાયકામાં આ પહેલીવાર દુબઇ સ્થિત આ એરલાઇને નફો કરવાને બદલે નુકશાન કર્યું હોવાની જાહેરાત કરી છે જે દર્શાવે છેકે કોરોના મહામારીની એવિએશન ઉદ્યોગ પર કેવી કારમી અસર પડી છે.એરલાઇનની ઓપરેટિંગ કોસ્ટમાં 46 ટકાનો ઘટાડો થવા છતાં તેની રેવન્યુ ઘટીને 8.4 બિલિયન ડોલર્સ થઇ છે.
ગયા વર્ષે અમીરાત એરલાઇન્સે 288 મિલિયન ડોલર્સનો નફો કર્યો હતો.એરપોર્ટ પર વિવિધ સેવાઓ પુરી પાડવાના બિઝનેસમાં પણ સક્રિય અમીરાત જૂથે કુલ છ અબજ ડોલર્સનું નુકસાન કર્યું છે.લાંબા અંતરના પ્રવાસ માટે જાણીતી સરકારી માલિકીની આ એરલાઇનને દુબઇની સરકારે ગયા વર્ષે 2 બિલિયન ડોલર્સની સહાય કરી હતી.
માર્ચ 2020 પછી લગભગ આઠ સપ્તાહ માટે એરલાઇનને તેની તમામ પેસેન્જર ફલાઇટ રદ કરવી પડી હતી.દુબઇના શાસક શેખ મોહમ્મદ બિનરશીદ અલ મખતુમે જણાવ્યું હતું કે અજાણી આફતો સામે લડવાની અમારી ક્ષમતાની આ મહામારી દરમ્યાન કસોટી થઇ છે પણ અમે તેમાંથી વધારે મજબૂત બનીને બહાર આવ્યા છીએ.
કાર્ગો સહિત 259 વિમાનોનો કાફલો ધરાવતી આ એરલાઇને જણાવ્યું હતું કે નાણાંકીય નુકસાન થવા છતાં અમે 200 નવા વિમાનોના ઓર્ડર પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.ગયા વર્ષે આ એરલાઇને ત્રણ નવા એરબસ 380 વિમાનો મેળવ્યા હતા અને 14 જુના વિમાનોને ફેઝ આઉટ કર્યા હતા.આ એરલાઇન અત્યાધુનિક વિમાનોમાં સર્વોત્તમ સેવાઓ આપવા માટે વિખ્યાત છે.


