ભાજપ દ્વારા રાજ્યમાં કમલનાથ સરકારને ઉથલાવવા ભાજપનો કારસો હોવાનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે આક્ષેપ કર્યો
એજન્સી, ભોપાલ
મધ્યપ્રદેશ કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાતોરાત હરિયાણા ‘ઉડી’ જતા ભૂકંપ આવી ગયો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે ગુડગાંવ સ્થિત એક હોટેલમાં આઠ ધારાસભ્યોને ગોંધી રાખ્યા છે. આ ઘટનાક્રમને લઈને મંગળવારે મોડી રાત સુધી કમલનાથ સરકારે ધારાસભ્યોને પરત લાવવા માટે ધમપછાડા કર્યા હતા.
મધ્યપ્રદેશ ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસના ધારાસભ્ય બિસાહૂ લાલ સિંહ, હરદીપ સિંહ, અપક્ષ અને બસપાના ધારાસભ્ય સહિત કુલ આઠ જેટલા એમએલએના દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટેલમાં બંધક બનાવી રાખ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. મોડી સાંજે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દિલ્હી પહોંચ્યા હતા. કમલનાથ સરકારને ઉથલાવવા માટેનું આ ષડયંત્ર હોવાની વાતો પણ વહેતી થઈ છે. બીજીતરફ કોંગ્રેસ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને પોતાના ધારાસભ્યોને પરત લાવવા કવાયત આરંભી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસના ધારાસભ્યોને ચાર્ટર્ડ વિમાન મારફતે દિલ્હી લઈ જવાયા હતા. વિપક્ષ ભાજપે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો. મધ્યપ્રદેશ સરકારમાં હાયર એજ્યુકેશન મિનિસ્ટર જીતુ પટવારીએ એક નિવેદનમાં જણાવ્યું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા, ભુપેન્દ્ર સિંહ અને રામપાલ સિંહ સહિત અન્યો કોંગ્રેસના આઠ એમએલએને હરિયાણા ખાતે લઈ ગયા છે. આ એક ષડયંત્ર છે. ઉલ્લેખનીય છે કે 26 માર્ચના રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. 17 રાજ્યોમાં ખાલી પડેલી જગ્યાઓ પર રાજ્યસભાની ચૂંટણી અગાઉ સોગઠાબાજી શરૂ થઈ હોવાનું જણાય છે. એક અહેવાલ મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ તેમજ તેમના પુત્ર જયવર્ધન સિંહ પણ હરિયાણા સ્થિત આ હોટલ પહોંચ્યા હતા અને ધારાસભ્યોને મળ્યા હતા. કમલનાથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બધું બરોબર છે. આવું કંઈ જ નથી અને ધારાસભ્યો પરત આવી જશે.