– ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાજપને મત આપી ભૂલ કર્યા ના બેનર
સુરત,તા.20 જુન 2021 : ભાજપ માટે સૌથી સલામત ગણાતા પશ્ચિમ વિધાનસભામાં સતત ત્રીજા દિવસે ભાજપ વિરોધી બેનર જોવા મળી રહ્યા છે.મેયરના ઝોનમાં જ સતત ભાજપના વિરોધના બેનરને કારણે રાજકારણ ગરમાયું છે.
સુરત ભાજપ માટે સૌથી સલામત ગણાતી વિધાનસભા એટલે પશ્ચિમ વિધાનસભા આ વિસ્તારના કેટલાક લઘુમતિથી વિસ્તાર અને છોડીને કોઈ જગ્યાએ ભાજપનો વિરોધ જોવા મળતો નથી.પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં રાંદેર ઝોનના પાલનપુર પાટિયા અને અડાજણ બાદ આજે રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર જોવા મળી રહ્યા છે.ભાજપનો વિરોધ કરતા જે બેનર લાગી રહ્યા છે તે બેનરમાં વિરોધની પેટન એકસરખી જોવા મળી રહી છે. છેલ્લા 25 વર્ષથી ભાજપને મત આપીને ભૂલ કરી હોવાનું બેનરમાં જણાવાયું છે.આ પહેલાં એશિયા બેન લાગ્યા હતા તેને માટે શાસકોએ ખુલાસો કર્યો હતો કે આ વિસ્તારની સોસાયટીઓ દ્વારા આઇસીના નાણાં ભરાયા ન હોવાથી પ્રાથમિક સુવિધા મળી શકી નથી.આટલું જ નહીં પરંતુ ડિપોઝિટના પૈસા પણ પૂર્વ કોર્પોરેટરોની મદદથી ભરાયા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ આજે રામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ભાજપ વિરોધી બેનર લાગ્યા છે જેમાં જણાવાયું છે કે, ભાજપે અમને ચૂંટણીમાં આપેલા વચનો પૂરા કર્યા નથી,શાસકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિકાસ કર્યો ન હોવાથી આગામી ચૂંટણીમાં મતની ભીખ માંગવા આવવું નહીં.અત્યાર સુધી આવા પ્રકારના બેનર પાટીદાર બહુમતીવાળા વરાછા અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ જોવા મળતા હતા પરંતુ ભાજપનો ગઢ કહેવાતા પશ્ચિમ ઝોનમાં આવા પ્રકારના બેનરોને કારણે ભાજપના નેતાઓની ચિંતામાં વધારો થયો છે.