રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૭૪.૪૬ સામે ૫૨૮૮૫.૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૫૨૦.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૬.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪.૨૫ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૫૨૫૮૮.૭૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૪૩.૮૦ સામે ૧૫૮૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૫૧.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૫૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક માર્કેટમાં મળેલા મજબૂત સંકેતોના કારણે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર એક નવી ઐતિહાસિક ઉંચાઇ પર ખુલ્યું હતું. સેંસેક્સ આજે તમામ રેકોર્ડ તોડીને એક નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરીને બીએસઇ સેન્સેક્સે ૫૩૦૫૭ પોઈન્ટની ઐતિહાસિક ટોચ બનાવી વિક્રમ સર્જયો હતો.
ભારતીય શેરબજારમાંમાં એકતરફી તેજી જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએસયુ બેંકોના ડિસઈન્વેસ્ટમેન્ટના ભાગરૂપ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંકની પસંદગી કરવામાં આવી હોવાના અહેવાલે નાના શેરમાં પણ શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. દેશમાં કોરોના કાબૂમાં આવતા અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના લિક્વિડિટી સપોર્ટના જોરે ભારતીય શેરબજારમાં તેજીનો પવન લાંબો ફૂંકાઈ રહ્યો હોવાથી સેન્સેક્સે અને નિફ્ટી ફ્યુચર નવી સપાટીએ પહોંચ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એનર્જી, એફએમસીજી, ફાઇનાન્સ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૨ અને વધનારની સંખ્યા ૨૦૨૬ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૪૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિદેશી રોકાણકારોએ પ્રથમ વખત શેરબજારમાં ૬૦૯ અબજ ડોલર એટલે કે ૪૫ લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કરી ભારતીય શેરબજારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ ગત સપ્તાહે ભારતનું ફોરેક્સ રિઝર્વ પણ પ્રથમ વખત ૬૦૦ અબજ ડોલરે પહોંચ્યું હતું. ડિપોઝિટરી NSDL અનુસાર તેમનું કુલ રોકાણ ૬૦૯ અબજ ડોલર છે. તેમના પસંદગીના સેક્ટર બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટર રહ્યા છે. કુલ રોકાણનો એકલો ૩૨.૧૪ ટકા હિસ્સો તે ધરાવે છે. સોફ્ટવેર અને સર્વિસમાં ૧૩.૨૭%નું રોકાણ રહ્યું છે. ઓઇલ અને ગેસમાં ૧૦%, ઓટોમોબાઇલમાં ૪.૫૨%નું રોકાણ છે. ફાર્મામાં ૪.૦૩% અને કેપિટલ ગુડ્સમાં ૩.૯૩% રોકાણ ધરાવે છે. ફૂડ, બેવરેજીસ, તમાકુમાં ૨.૫૫ અને કન્ઝયુમર ડયુરેબલમાં ૨.૪% રોકાણ છે.
ડિસેમ્બર ૨૦૧૯માં ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કુલ રોકાણ ૩૧ લાખ કરોડ રૂપિયા હતું. જે જૂન ૨૦૨૦માં ઘટીને ૨૬ લાખ કરોડ થઈ ગયું હતું. જોકે એક વર્ષમાં જેમ ભારતીય બજાર કોરોનામાં બમણું વધ્યું તે જ રીતે તેનું રોકાણ પણ વધી ગયું. એશિયામાં ભારતીય શેરબજારે આ વર્ષે સૌથી વધુ ૧૨% રિટર્ન આપ્યું છે. ભારતીય બજારના માર્કેટ કેપિટલાઇઝેશનના આશરે ૨૦%હિસ્સા પર તેનો કબ્જો સાથે વિદેશી રોકાણકારોનો શેરબજારના વિકાસમાં મોટો ફાળો છે. વિદેશી રોકાણકારોના રોકાણને લીધે જ ભારતીય શેરબજારમાં સતત તેજી જોવા મળી રહી છે અને નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે.


