સુરત : સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને પહેલીવાર વિપક્ષમાં બેસવા આમ આદમી પાર્ટી આ સપ્તાહે નવો પોલિટિકલ ધડાકો કરે તેવી અટકળો વહેતી થઇ છે.તો બીજી તરફ સુરતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઝાડૂ પકડી લે તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.
આ અઠવાડિયાના અંતમાં દિલ્હી સરકારના મંત્રીઓ મનીષ સિસોદિયા સુરત આવી રહ્યા છે.તેમની હાજરીમાં સૌરાષ્ટ્રવાસી મોટા માથાઓ આપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે.બીજી તરફ શિક્ષણ સમિતિની ચૂંટણી પણ શુક્રવારે યોજાવાની છે ત્યારે તેમાં પણ અણધાર્યા પરિણામ આવવાની અટકળો બાંધવામાં આવી રહી છે.કોરોના સમયમાં રાજ્યમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યભરમાં ચૂંટણી લડી હતી.જેમાં સુરત શહેરમાં મનપાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.એક સાથે 27 બેઠકો જીતીને આમ આદમી પાર્ટી પહેલી વાર વિપક્ષમાં બેઠી હતી. અને હવે વિધાનસભાની ચૂંટણીને લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી બાદ હવે આમ આદમી પાર્ટીમાં બીજા મોટા માથાઓ જોડાય તેવી સંભાવના છે. ત્યારે રાજ્યનાં વિવિધ વિસ્તારમાંથી પણ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.સુરતમાં ચર્ચાએ જોર પકડયું છે કે આ અઠવાડિયે મનીષ સીસોદીયા રોડ શો કરવાના છે.અને તેમની હાજરીમાં મોટા માથા આપ નો હાથ પકડવાના છે.જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી,પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક જીરાવાળા છે.શહેરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના કાર્યકરો આપની કંઠી પહેરી રહ્યા છે.તેવામાં આ પોલિટિકલ ધડાકો સુરતના રાજકારણમાં ભૂકંપ લાવે તેવી પૂરેપૂરી સંભાવના છે.


