– સુરતમાં ‘આપ’માં જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓએ સભ્યપદની રસીદ જાહેર કરી
– ભાજપને નિષ્ઠાવાન નહીં ચાપલૂસી કરનાર જોઈએઃ આપમાં જોડાયેલા કાર્યકર
સુરત : સુરતમાં ભાજપને તિલાંજલિ આપી કાર્યકરો ‘આપ’માં જોડાઇ રહ્યાં હોવાની સમયાંતરે તેજ બનેલી ગતિવિધીને પગલે ભાજપે ખુલાસા કરવા પડ્યા હતા.પ્રેસ કોન્ફરન્સ યોજી ‘આપ’ ને પડકાર ફેંક્યો છે કે,જે કાર્યકર્તાઓ જોડાયાનો દાવો કરો છો તે ભાજપના પ્રાથમિક સભાસદ હોવાના પુરાવા જાહેર કરો.જેથી ભાજપમાંથી આપ માં જોડાયેલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ પોતાના સભ્યપદની રસીદો જાહેર કરી છે.ભાજપમાંથી આપમાં જોડાયેલા વિપુલ સખીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપને પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકરો નહીં ચાપલૂસી અને ખુશામતખોરો જોઈએ છે.
આમ આદમી પાર્ટીમાં ભાજપના કેટલાક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાઈ જતા ભાજપ સુરત શહેરના સંગઠનની નબળી કામગીરી સામે આવી રહી છે.તાજેતરમાં જ ભાજપના હજાર કરતાં વધારે કાર્યકર્તાઓ વિવિધ વોર્ડમાંથી આપમાં જોડાઈ રહ્યા છે. ભાજપ શહેરનું નબળું સંગઠન સામે આવતા મોવડી મંડળ દ્વારા પણ શહેરના સંગઠનને ઠપકો આપવામાં આવી રહ્યો છે.ભાજપ દ્વારા પત્રકાર પરિષદ સંબોધીને આમ આદમી પાર્ટીમાં એક પણ ભાજપના કાર્યકર્તા ન ગયો હોવાની વાત કરતાં આખરે આપ દ્વારા ભાજપના જે હોદ્દેદારો આપમાં આવ્યા છે તેની ઓળખ જાહેર કરી રહ્યા છે અને ભાજપના જ કાર્યકર્તા હોવાના પુરાવા આપી રહ્યા છે.પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પડકાર ફેંક્યો હતો કે આમ આદમી પાર્ટીમાં ગયેલા ભાજપના કાર્યકર્તા હોય તો તેમણે સભ્યપદ માટે ના પુરાવા રજૂ કરવા જોઈએ.
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ભાજપના વિવિધ વોર્ડના મહામંત્રી,મંત્રી,આઈટી સેલ કારોબારી સભ્ય જેવા વિવિધ સંગઠનના મહત્વના હોદ્દા ઉપર રહેલા યુવા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.ભાજપમાંથી આપમાં જોડાયેલા યુવા કાર્યકર્તાઓએ પોતાની સભ્યપદની રસીદો જાહેર કરી છે.જેના આધારે ભાજપે જે દાવા કર્યા છે કે આમ આદમી પાર્ટીમાં કોઈ પણ ભાજપના કાર્યકર્તા જોડાયા નથી તે ખોટા દાવાને સાબિત કરી બતાવી છે.આપમાં જોડાયેલા નેતાઓએ પોતાની ઓળખ પણ પુરવાર કરી છે અને ભાજપે પત્રકાર પરિષદમાં જે પડકારો ફેંક્યા હતા તેને પણ ઝીલીને પ્રત્યુત્તર આપ્યા છે.
ભાજપમાં મહામંત્રીના પદ ઉપર રહેલા વિપુલ સખીયાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમાણિક અને નિષ્ઠાપૂર્વક કામ કરતો હતો પરંતુ જે રીતે ભાજપના કેટલાક નેતાઓ કે જે પોતાની આસપાસ રહેતા અને ચમચાગીરી કરતા હોય તેવા જ કાર્યકર્તાઓને આગળ લાવવા માટેનું કામ કરે છે જે જોઈને હું ખરેખર દુઃખી હતો.પાર્ટીમાં ઓછા સમયથી આવેલા યુવા નેતાઓને પણ મોટા હોદ્દાઓ અને જવાબદારી આપવાનું ષડયંત્ર ભાજપના કેટલાક કદાવર નેતાઓ કરે છે તે માત્ર પોતાની લોબી મજબૂત બનાવવા માટે આ પ્રકારે સંગઠનમાં ખેલ કરે છે.જે ભાજપ રાજકીય સંગઠન માટે આદર્શ ગણાતી હતી તે હવે માત્ર સત્તા લાલસા પૂરતી સીમિત રહી ગઈ છે.
જય લખાણકિયાએ જણાવ્યું કે, જ્યારે હું ધોરણ 12માં અભ્યાસ કરતો હતો ત્યારથી ભાજપમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો હતો.આઈટી સેલમાં હું મારી ભૂમિકા ખૂબ જ સારી રીતે બજાવતો હતો.ત્યારબાદ મેં મંત્રી સુધીના હોદ્દા ઉપર રહ્યો હતો પરંતુ ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટીમાં રહેલા કાર્યકર્તાઓને ક્યારેય પણ આગળ વધવા દેતા નથી.માત્ર તેમને આસપાસ રહેતા અને તેમના કામો કરતાં કાર્યકર્તાઓને જ તેઓ આગળ લાવે છે.ચૂંટણી દરમિયાન પણ જે ઉમેદવારોને પસંદ કરવાના હોય છે તે ખેલ જ્યારે તમે જોશો ત્યારે તમને આશ્ચર્ય થશે કે આ ભાજપ કે જે શિસ્તના નામે ઓળખાય છે તેમાં આ પ્રકારની લોલમલોલ ચાલે છે.સનિષ્ઠ કાર્યકર્તાઓને ઉમેદવાર બનાવવાને બદલે એક નેતા બીજા નેતા અને પોતાના અંગત માણસોને ઉમેદવાર તરીકે લાવવા માટે પ્રયાસો કરે છે.જે કાર્યકર ખરેખર પાર્ટી માટે કામ કરતો હોય છે તેને હાંસિયા પર ધકેલી દેવાનું ષડયંત્ર અંદરના જ નેતાઓ કરતા હોય છે.
સુરત શહેર ભાજપ સંગઠન પોતાનો બચાવ કરવા માટે જ્યારે પત્રકાર પરિષદમાં જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમણે પોતાનું સભ્યપદ આપી દેવા માટેનો પડકાર ફેંક્યો હતો ત્યારે આમ આદમી પાર્ટીના જોડાયેલા ભાજપના કાર્યકર્તાઓએ તેમની ઓળખ જાહેર કરી છે.શહેરની સ્થિતિ એવી દેખાઈ રહી છે કે વિવિધ સોસાયટીમાં તાજેતરમાં લોકો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ભાજપના કોર્પોરેટરો કે નેતાનો સંપર્ક કરવાને બદલે આપના નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે.તાજેતરમાં જ સગરામપુરા,પુણા,અડાજણ વિસ્તારોમાં કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે.એવા વિસ્તારોમાં ભાજપના નેતાઓની વિરોધમાં બેનરો લાગતાં એ વાત સ્પષ્ટ થાય છે કે લોકોની પણ નારાજગી શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.