– કોંગ્રેસનો ગઢ રાયબરેલી બેઠક પર ઈન્દીરા જંગી બહુમતિએ જીત્યા બાદ તેમના હરિફ રાજનારાયણે આ ચૂંટણીને કોર્ટમાં પડકારી’તી; કોર્ટે ચૂંટણી રદ્દ કરવાનો ચુકાદો આપતાં જ ઈન્દીરા થઈ ગયા હતા ક્રોધિત
– કટોકટી દરમિયાન સરકાર વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરનારા તંત્રીઓ અને પત્રકારોની પણ ધરપકડ કરવા અપાયો હતો આદેશ
– વાજપેયી,અડવાણી,જયપ્રકાશ નારાયણ, ફર્નાન્ડીઝ સહિતના અનેક નેતાઓને જેલમાં ધકેલી દેવાયા હતા; પરિસ્થિતિ એવી નિર્માણ પામી કે જેલમાં એક ઈંચ જગ્યા પણ નહોતી બચી !
નવી દિલ્હી, તા.25 : 25 જૂન-1975, ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં આ દિવસને દેશના સૌથી દૂર્ભાગ્યદિવસ તરીકે ઓળખવામાં આવે છે. 46 વર્ષ પહેલાં આજે જ દેશના લોકોએ રેડિયો પર એક એલાન સાંભળ્યું અને તેની થોડી જ ક્ષણોમાં આખા દેશમાં ખબર ફેલાઈ ગઈ કે હવે કટોકટી લાગુ પડી ગઈ છે ! 46 વર્ષ બાદ ભલે દેશના લોકતંત્રની એક ગરીમાયુક્ત તસવીર આખી દુનિયામાં પસ્થિત થઈ રહી હોય પરંતુ આજે પણ ભૂતકાળમાં 25 જૂનના એ દિવસને લોકતંત્રનો કાળો અધ્યાય જ કહેવામાં આવે છે.
25 જૂન 1975થી માર્ચ 1977 વચ્ચે દેશમાં 21 મહિના સુધી કટોકટી લાગુ કરવામાં આવી હતી.તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે તત્કાલિન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના નેતૃત્વવાળી સરકારની ભલામણના આધારે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી. 25 જૂન અને 26 જૂનની મધ્યરાત્રીમાં તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના હસ્તાક્ષર કરવાની સાથે જ દેશમાં પહેલી કટોકટી લાગુ થઈ ગઈ હતી.આગલી સવારે સમગ્ર દેશે રેડિયો ઉપર ઈન્દીરા ગાંધીના અવાજમાં સંદેશ સાંભળ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે ‘ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની જાહેરાત કરી છે. આ કટોકટીથી ગભરાવાની કોઈ જરૂર નથી.’
કટોકટીની જાહેરાત સાથે જ તમામ નાગરિકોના મૌલિક અધિકાર રદ્દ કરી નાખવામાં આવ્યા હતા.બોલવાનો અધિકાર જ નહીં પરંતુ લોકો પાસે જીવનનો અધિકાર પણ રહ્યો નહોતો. 25 જૂનની રાત્રે જ દેશમાં વિપક્ષના નેતાઓની ધરપકડનો તબક્કો શરૂ થઈ ગયો હતો. જયપ્રકાશ નારાયણ,લાલકૃષ્ણ અડવાણી,અટલ બિહારી વાજપેયી,જ્યોર્જ ફર્નાન્ડીઝ વગેરે મોટા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને જેલ એટલી હદે ભરાઈ ગઈ હતી કે તેમાં પૂરવા માટે એક ઈંચની પણ જગ્યા બચી નહોતી ! કટોકટી બાદ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પણ મોટાપાયે ઉત્પીડનની કહાનીઓ સામે આવી હતી.પ્રેસ ઉપર પણ સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી હતી.દરેક અખબારમાં સેન્સર અધિકારી બેસાડી દેવામાં આવ્યો હતો અને તેની અનુમતિ બાદ જ કોઈ સમાચાર છાપી શકાતા હતા.
સરકાર વિરોધી સમાચાર છાપવા પર ધરપકડ થઈ શકતી હતી.આ બધું ત્યારે અટક્યું જ્યારે 23 જાન્યુઆરી-1977ના માર્ચ મહિનામાં ચૂંટણીની જાહેરાત થઈ હતી.લાલબહાદુર શાસ્ત્રીના મોત બાદ દેશના વડાપ્રધાન બનેલા ઈન્દીરા ગાંધીની અમુક કારણોસર અદાલતો સાથે ટક્કર શરૂ થઈ ગઈ હતી.આ ટક્કર કટોકટીની પૃષ્ઠભૂમિ બની હતી.કટોકટી માટે 17 ફેબ્રુઆરી-1967માં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાને મોટી ભૂમિ તૈયાર કરી હતી.એક મામલામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સુબ્બારાવના નેતૃત્વવાળી એક ખંડપીઠે સાત વિરુદ્ધ છ જજના બહુમતિથી સંભળાયેલા ચુકાદામાં કહ્યું હતું કે સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ સાથે પણ કોઈ બંધારણ સંશોધન દ્વારા મુળભૂતિ અધિકારોની જોગવાઈને ન તો ખતમ કરી શકે કે ન તો તે મર્યાદિત કરી શકે.
1971ની ચૂંટણીમાં ઈન્દીરા ગાંધીએ પોતાના પક્ષને અભૂતપૂર્વ જીત અપાવી હતી અને ખુદ પણ મોટી લીડથી જીત્યા હતા.ખુદ ઈન્દીરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતાં તેમના ચૂંટણી હરિફ રાજનારાયણે 1971માં અદાલતનો દરવાજો ખટખટાવ્યો હતો. સંયુક્ત સોશ્યલીસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે ઈન્દીરા ગાંધી સામે રાયબરેલી લોકસભા બેઠક પર ચૂંટણી લડનારા રાજનારાયણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે ઈન્દીરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો છે. મામલાની સુનાવણી થઈ અને ઈન્દીરા ગાંધીની ચૂંટણીને રદ્દ કરવામાં આવી હતી.આ ચુકાદાથી આક્રોશીત થઈને જ ઈન્દીરા ગાંધીએ કટોકટી લગાવવાનો નિર્ણય લીધો હતો. ઈન્દીરા ગાંધી એટલા ક્રોધીત થઈ ગયા હતા કે આગલા દિવસે જ તેમણે કેબિનેટ બેઠક બોલાવ્યા વગર જ કટોકટી લાગુ કરવાની ઈચ્છા રાષ્ટ્રપતિ સમક્ષ કરી નાખી હતી અને તેના આધારે રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે 25 જૂન અને 26 જૂનની મધ્યરાત્રીમાં જ પોતાના હસ્તાક્ષર કરી નાખ્યા અને આ રીતે દેશમાં પહેલી કટોકટી લાગુ થઈ ગઈ હતી.
ઈન્દીરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહેલા દિવંગત આર.કે.ધવને જે તે સમયે કહ્યું હતું કે સોનિયા અને રાજીવ ગાંધીના મનમાં કટોકટીને લઈને કોઈ પ્રકારની શંકા કે પસ્તાવો નહોતો.આ ઉપરાંત મેનકા ગાંધીને પણ કટોકટી સાથે જોડાયેલી તમામ વાતો ખબર હતી અને તે દરેક પગલે પતિ સંજય ગાંધીની સાથે ઉભા હતા.ધવને કહ્યું હતું કે પશ્ર્ચિમ બંગાળના તત્કાલિન મુખ્યમંત્રી એસ.એસ.રાયે જાન્યુઆરી-1975માં જ ઈન્દીરા ગાંધીને કટોકટી લાગુ કરવાની સલાહ આપી હતી. કટોકટીની યોજના તો ઘણા સમય પહેલાં જ બની ગઈ હતી.ધવને કહ્યું હતું તે કે તત્કાલિન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદને કટોકટી લાગુ કરવા માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં કોઈ જ વાંધો નહોતો.તેઓ તો માટે તુરંત તૈયાર થઈ ગયા હતા.

