સુરત : સુરત પાલિકામાં શુક્રવારે યોજાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના ૬,આમ આદમી પાર્ટીના ૧ અને ભાજપ સર્મિથત એક અપક્ષ ઉમેદવારની જીત થઇ હતી.ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ પાલિકા કચેરી સમરાંગણમાં ફેરવાઇ ગઇ હતી.આપના ઉમેદવારની હાર થતા આગેવાનોને માર મારવામાં આવ્યો હોવાનો ખોટો મેસેજ વાઇરલ કરી આપના સમર્થકોએ પાલિકાની વડી કચેરીમાં ધાંધલ-ધમાલ મચાવી દીધી હતી.
પાલિકાના સરદાર ખંડમાં મેયર સમક્ષ ખુલ્લા મોઢે ગાળાગાળી કરી મત ગણતરીનું સાહિત્ય ફાડી નાંખ્યું હતું.મતગણતરી પૂરી થયા બાદ આપના કોર્પોરેટરો,સમર્થકો રાજકીય તોફાને ચઢયા હતા.મુખ્ય ચૂંટણી અધિકારી એવા મેયરની હાય હાય બોલાવી હતી.
સિક્યુરિટી સ્ટાફને ધક્કે ચઢાવ્યો હતો.સરદાર ખંડમાં ગાળાગાળી કરી મેયર તરફ ધસી જવાનો પ્રયાસ કર્યો હતો.વિપક્ષનું આ તોફાન જોઇ મેયર હેમાલી બોઘાવાલા ડઘાઇ ગયા હતા.સરદાર ખંડમાં સુરક્ષા માટે સિક્યુરિટી નહીં હોય તો ‘આપના કોર્પોરેટરોએ મારા કપડા ખેંચી લીધા હોત’ તેવું બોઘાવાલાએ જણાવ્યું હતું.હું પ્રથમ એક મહિલા છું.
ત્યારબાદ મેયર છું.તેવું જણાવી આમ આદમી પાર્ટીએ મેયર પદની સાથે મહિલાઓની પણ ગરીમા લજવી હોવાનું જણાવ્યું હતું.
સુરક્ષા કર્મીઓએ તેમને આગળ વધતા અટકાવ્યા હતા.આમ છતાં આપના કોર્પોરેટરોએ મત ગણતરી માટે ઉપયોગમાં લેવાયેલું ચૂંટણી સાહિત્ય ફાડી નાંખ્યું હતું.સરદાર ખંડમાં ટેબલ ખુરશી અને માઇકની તોડફોડ કરી હતી.