સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી 21 વર્ષ પછી યોજાઈ હતી અને અપેક્ષા પ્રમાણે તે ભારે હંગામી પણ રહી હતી.પરિણામ આવ્યા બાદ તરત જ ભાજપ અને આપના નગરસેવકો સામસામે આવી ગયા હતા અને ભારે હુંસાતુંસીના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ પરિણામમાં ભાજપના 6 અને ભાજપ પ્રેરિત અન્ય એક અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.
જ્યારે આપના ફક્ત એક જ ઉમેદવારની જીત થતા ક્રોસ વોટિંગ થયુ હોવાનું સમજી શકાય છે.શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કુલ 8 બેઠકો માટે 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના 6 ઉમેદવાર,આપના 2 ઉમેદવાર અને ભાજપ પ્રેરિત 1 અપક્ષનો ઉમેદવાર હતા.જેમાં ભાજપના 7 ઉમેદવાર જીતતા આપ પક્ષના નગરસેવકોએ પરિણામ પર સવાલ ઉઠાવ્યો હતો અને બેલેટ પેપર સંતાડયા હોવાનો આક્ષેપ ભાજપ પર કર્યો હતો.
ભાજપે માંગણી ન સ્વીકારાતા ભારે હંગામો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સિક્યોરિટી સ્ટાફ અને આપના કોર્પોરેટરો વચ્ચે મારામારી થતા પોલીસ પણ બોલાવવી પડી હતી. ભાજપમાં સંજય પાટીલને 122, યશોધર દેસાઈને 107, રાજેન્દ્ર પટેલને 107, નિરંજના જાનીને 106,શુભમ ઉપાધ્યાયને 106,અરવિંદ કાકડીયાને 100, અપક્ષના રાકેશ ભીખડીયાને 95 જ્યારે આપના રાકેશ હિરપરાને 110 અને આપના હારેલા ઉમેદવાર રમેશ પરમારને 95 મત મળ્યા હતા.
ક્રોસ વોટિંગના કારણે આપના કોર્પોરેટરની હાર થઈ હોવાની ચર્ચા છે.જોકે હાર પચાવી ન શકનાર આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા કચેરી પર ભારે હોબાળો થયો હતો.વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સહિત આપના અન્ય કોર્પોરેટરોને કોલર પકડીને ધક્કા માર્યા હોવાના પણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.


