મુખ્ય સચિવને સમગ્ર વહીવટી બાબતોના વડા ગણાય છે.મુખ્યમંત્રી પછી તેઓ સૌથી વધુ શક્તિશાળી ગણાય છે.ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ છે.વયનિવૃત્ત થયા પછી સરકારની ગુડ બુકમાં હોવાથી તેઓને છ-છ મહિનાનું બે વખત એક્સ્ટેન્શન મળ્યું છે.જેથી ત્રીજું એક્સ્ટેન્શન મળશે તો કોઈને નવાઈ નહીં લાગે.બીજા એક્સ્ટેન્શનની મુદત્ત ૩૧મી ઓગસ્ટે પૂરી થઈ રહી છે. તેઓ ખૂબ જ સરળ છે.પરંતુ સચિવાલયમાં ફરજ બજાવતા અન્ય સિનિયર બાબુઓ માને છે કે મુકીમ ક્યારેય કોઈ જોખમ લેતા નથી. તેમના હાથ નીચેના IAS અધિકારીઓ ક્યારેય કોઈ મુદ્દે માર્ગદર્શન લેવા આવે તો પણ તેઓ કહે છે કે તમે તમારી રીતે જોઈ લો.સચિવાલયમાં બાબુઓ ચર્ચા કરી રહ્યાં છે કે મુખ્ય સચિવ સાંજે સાત વાગ્યા પછીથી પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દે છે.જેને લઈને અન્ય બાબુઓને કે કોઈ વિભાગને અગત્યનું કામ પડે તો લેન્ડલાઈન પર ફોન કરવો પડે છે.
મુખ્ય સચિવમાંથી પ્રેરણા લઈને અન્ય કેટલાક બાબુઓએ પણ સાંજ પછીથી ફોન બંધ કરવાનું શરૂ કર્યુ છે.જ્યારે કેટલાક અધિકારીઓ મોડેથી કોઈના પણ ફોન ઉઠાવતા નથી.