અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની સરકારની ઈચ્છા

251

કોરોના અને લોકડાઉનને કારણે ગત વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી શકી નહોતી.આ વર્ષે બીજા તબક્કા બાદ હવે કેસ ઘટયા હોવા પણ ૧૨મી જુલાઈના અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળશે કે નહીં તેની કોઈને ખબર નથી.આ અગાઉ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં અખાત્રીજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરાયું હતું.ઉપરાંત ૨૪મી જૂને જળયાત્રા કાઢવાની મંજૂરી પણ આપી દેવાઈ હતી.

જો કે તેમાં કેટલીક શરતો રાખવામાં આવી હતી. હવે ૧૨મી જુલાઈએ ભગવાનની મુખ્ય રથયાત્રા કાઢવા દેવાની છૂટ અપાશે કે કેમ તેના પર સૌની નજર છે.બીજી બાજુ ગુજરાતના સિનિયર IAS અધિકારીઓ રથયાત્રાને મંજૂરી મળે તેવું ઈચ્છતા નથી. તેઓ માને છે કે કોરોનાના બીજા તબક્કામાં લોકોની અને સરકારની તેમજ સમગ્ર વહીવટી તંત્રની ખૂબ જ કફોડી હાલત થઈ હતી.હજુ ત્રીજી લહેરનું જોખમ છે.આ સ્થિતિમાં રથયાત્રામાં એક જ સમયે લાખો લોકોના ભેગા થવાથી સંક્રમણનો ખતરો વધશે.બાબુઓ માને છે કે રથયાત્રાને મંજૂરી એટલે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવું ગણાશે.

સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ કોરોનાની સારવાર અંગે લોકોમાં સરકારની નીતિરીતિ સામે લોકોમાં જબરજસ્ત આક્રોશ છે.ઉપરાંત જો રથયાત્રાને મંજૂરી નહીં મળે તો લોકોની ધાર્મિક લાગણી દુભાશે.જેની વિપરીત અસર નવેમ્બર ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પડી શકે છે.આ ભયને ધ્યાનમાં રાખીને તેમજ હિન્દુવાદી સરકારની ઈમેજને બનાવી રાખવા માટે કેટલાક રાજકીય નેતાઓ પણ રથયાત્રા કાઢવાને મંજૂરી આપવાની તરફેણમાં છે.જેને પગલે સરકારે પણ કેટલાક અંકુશો રાખીને રથયાત્રાને મંજૂરી આપવાનું મન બનાવી લીધું છે એટલું જ નહીં તે માટેની તૈયારીઓ શરૂ થઈ છે.

Share Now