પંખીડા તું ઉડી જાજે. ભારતમાં ટ્વિટર બંધ થઈ જશે ? લેવાયા કઠોર પગલાં

304

પંખીડા તું ઉડી જાજે.. સોશિયલ મીડિયાના ઝવાયરલ” વાયરસને નિયંત્રિત કરવા માટે સરકારે લાદેલા નવા આઈટી નિયમોને લઈને ટ્વિટર અને સરકાર વચ્ચેનો સંઘર્ષ અને વિરોધસુર હજુ સમ્યો નથી ત્યાં ટ્વીટરની “ચકલી” વધુ એક વિવાદમાં સપડાઈ છે.ટ્વિટરે વધુ એક વખત ભારતના નકશા સાથે છેડછાડ કરી છે.જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ જ દેશ બતાવી દેતા સરકારે લાલ આંખ કરી છે.ટ્વીટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેકટર મનીષ મહેશ્વરી સામે ફરિયાદ નોંધાઈ છે.

પંખીડા તું ઉડી જાજે.

સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાતો વચ્ચે ટ્વિટરે જમ્મુ-કાશ્મીરને અલગ દેશ જ બનાવી દેતા “ચકલી” હવે આવી બનશે!!

એક તરફ સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈ વિવાદ ચાલી જ રહ્યો હતો.સરકાર અને ટ્વિટર વચ્ચેના તણાવથી તાજેતરમાં ફરિયાદી નિવારણ અધિકારી ધર્મેન્દ્ર ચતુરે રાજીનામું ધરી દેતા ટ્વીટરની મુશ્કેલી વધુ વધી છે.એવામાં હવે ટ્વિટરે ભારતના માત્ર નકશા જ નહીં પણ આ કૃત્ય કરી દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે પણ ચેડાં કર્યા છે. જેને સરકાર ક્યારેય સાંખી લેશે નહીં.સરકારની સાથે યુઝર્સમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે હવે ટ્વિટર માટે ભારતમાંથી ઉચાળા ભરવાનો સમય પાકી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

ટ્વિટરે જમ્મુ-કાશ્મીર ક્ષેત્રને એવા સમયે એક અલગ દેશ તરીકે નકશામાં બતાવ્યું છે જ્યારે હાલ મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને સ્થાનિક સંગઠનનો સાથે બેસી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની કવાયત ચાલી રહી છે.ત્યારે ટ્વિટરે જમ્મુ-કાશ્મીરને રાજ્યના ઠેકાણે એક અલગ દેશ જ બનાવી દેતા ઉડાઉડ કરતી ટ્વીટરની ચકલીની પાંખો ભારતમાંથી કપાઈ જાય તો નવાઈ નહીં.

Share Now