જમ્મુ-કાશ્મીરમાં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસભામાં પણ ઊઠ્યો છે.ભારતે સંયુક્ત રાષ્ટ્રસભામાં કહ્યું કે, વ્યૂહાત્મક અને વ્યાપારી સંપત્તિઓની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારબંધ ડ્રોનના ઉપયોગની સંભાવનાઓ પર વૈશ્વિક સમુદાયે ગંભીર ચિંતાથી ધ્યાન આપવાની જરૂર છે.ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ (આંતરિક્ષ સુરક્ષા) વી.એસ.કે. કૌમુદીએ કહ્યું કે, આજે આતંકવાદના પ્રચાર અને કેડરની ભરતી માટે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થઈ રહ્યો છે.
દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે ખતરો
તેમણે કહ્યું કે, આતંકવાદને નાણાકીય મદદ માટે પેમેન્ટ મેથડ અને ક્રાઉડ ફંડિંગના પ્લેટફોર્મ્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને આતંકવાદીઓ હવે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે અને આ સરળતાથી ઉપલબ્ધ છે. ડ્રોન દ્વારા આતંકવાદીઓ હથિયાર અથવા વિસ્ફોટકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મોકલી રહ્યા છે.આ દુનિયાભરમાં સુરક્ષા એજન્સીઓ માટે ખતરો અને પડકાર બન્યું છે.
PM મોદી કરશે હાઈ લેવલ મીટિંગ
આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.આ મીટિંગમાં રાજનાથ સિંહ સેનાની તૈયારીઓ વિશે પણ જણાવશે.તો બુધવારે PM મોદીએ મંત્રીમંડળની બેઠક બોલાવી છે.કહેવામાં આવી રહ્યું છે કે એરબેઝ પર ડ્રોન હુમલા અને સરહદી વિસ્તારોમાં જોવા મળતા ડ્રોનને લઈને આ મીટિંગ થઈ શકે છે.બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે.જમ્મુમાં સતત ત્રણ દિવથી ડ્રોન જોવા મળી રહ્યા છે. આવી શરૂઆત 26-27 જૂનની રાત્રે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોનથી હુમલાથી થઈ.

