નવી દિલ્હી, તા.૫: બુધવારે ટેલિકોમ વિભાગે વોડાફોન-આઈડિયા, એરટેલ અને ટાટા ટેલિને ૭૬,૭૪૬ કરોડ રૂપિયાની રિકવરી નોટિસ મોકલી છે. ટેલિકોમ વિભાગે એજીઆર (એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ)ની બાકીની રકમ થોડી-થોડી કરીને ચૂકવવાના નિર્ણય સામે નારાજગી વ્યકત કરી છે. સાથે જ ‘કોઈપણ પ્રકારનો વિલંબ’ કર્યા વિના સુપ્રીમ કોર્ટના આદેશનું અકિલા પાલન કરીને બાકીની રકમ ચૂકવી દેવાની સૂચના આપી છે. ટેલિકોમ મંત્રાલયે ત્રણેય કંપનીઓને મોકલેલા પત્રમાં લખ્યું, ચૂકવણીને સુપ્રીમ કોર્ટે ૨૪ ઓકટોબર ૨૦૧૯ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ આપેલા આદેશનું પાલન ગણી શકાય નહીં. હવે જરા પણ વિલંબ કર્યા વિના બાકીની રકમ ચૂકવી દો.’ સાથે જ સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે તેઓ બાકીની બધી જ રકમ વસૂલવા માગે છે, તેમ અમારા સહયોગી ટીઓઆઈને ટોચના સૂત્રોએ જણાવ્યું છે. ૫૩,૦૩૮ કરોડના દેવા સામે વોડાફોન-આઈડિયાએ માત્ર ૩૫૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. જયારે એરટેલે ૩૫,૫૮૬ કરોડ રૂપિયાના દેવા સામે ૧૮,૦૦૪ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ટાટા ગ્રુપ કંપનીઝ, ટાટા ટેલિસર્વિસિઝ લિમિટેડ અને ટાટા ટેલિસર્વિસિઝ (મહારાષ્ટ્ર) લિમિટેડ (TTML)એ કનિદૈ લાકિઅ એકંદરે ૧૩,૮૨૩ કરોડ રૂપિયાના દેવા સામે ૪,૧૯૭ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વિશે વાત કરતાં એક સિનિયર અધિકારીએ કહ્યું, ‘આ નોટિસ મળ્યા બાદ કંપનીઓએ હવે બાકીની રકમ તાત્કાલિક ચૂકવવી પડશે અથવા સજા ભોગવવી પડશે. જે મુજબ સૌપ્રથમ તેમણે આપેલી બેંક ગેરંટીને વટાવવામાં આવશે. ત્યાર પછી પણ તેઓ ગેરંટી અને એજીઆરના દેવાની રકમ ચૂકતે નહીં કરે તો અમારે તેમના ટેલિકોમ લાઈસન્સ રદ કરવા જેવું મોટું પગલું ભરવું પડશે. જેના માટે તેમને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવશે.’ બુધવારની નોટિસ મુજબ વોડાફોન-આઈડિયાએ ટેલિકોમ વિભાગને તાત્કાલિક ધોરણે ૪૯,૫૩૮ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જયારે એરટેલને ૧૭,૫૮૨ કરોડ અને ટાટા કંપનીઓને ૯,૬૨૬ કરોડ રૂપિયા જમા કરાવવાના રહેશે. આ મુદ્દે અમારા સહયોગીએ બુધવારે સાંજે કંપનીઓને સવાલ કર્યા હતા પરંતુ જવાબ મળ્યા નથી. આ સિવાય ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરી તો એરટેલના પ્રવકતાએ જવાબ આપવાની ના પાડી હતી. ટેલિકોમ વિભાગે જારી કરેલી નોટિસમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, કંપનીઓએ લાઈસન્સ ફી, સ્પેકટ્રમ વપરાશ ચાર્જ (SUC)ના બાકીની રકમ વ્યાજ, દંડ અને દંડ પરના વ્યાજ સાથે ઝડપથી ચૂકવવાની રહેશે. સાથે જ ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને સ્વ-આકલનમાં કરેલા એજીઆર કેલ્કયુલેશનને સમર્થન આપતા દસ્તાવેજો પણ સબમિટ કરાવવાનો આદેશ કર્યો છે. ટેલિકોમ કંપનીઓ ભારપૂર્વક કહી રહી છે કે તેમની એજીઆરની બાકીની રકમ જે માગવામાં આવી છે તેનાથી ઘણી ઓછી છે. કંપનીઓના આ દાવા બાદ સરકારને કડક વલણ દાખવવાની જરૂર પડી છે. વોડાફોન-આઈડિયાએ સ્પષ્ટ કર્યું છે કે સરકારની મદદ વિના તેઓ પોતાના દેવા ચૂકવવા માટે આર્થિક રીતે સદ્ઘર નથી.