જૂનાગઢ : જૂનાગઢના વિસાવદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓના કાફલા પર હુમલો કરાયો છે.ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીના કારના કાફલા પર હુમલો કરાયો હતો.ત્યારે આ મામલે આજે ફરિયાદ નોંધાઈ છે.વિસાવદર પોલીસે કલમ 307 અંતર્ગત વિસાવદર ગુનો નોધ્યો છે.તથા ગુજરાતના દરેક જિલ્લામાં AAP જનસંવેદના મુલાકાત યાત્રા દરમિયાન પોલીસતંત્રએ સુરક્ષા પુરી પાડવાની ખાત્રી આપી છે.
આપના કાર્યકર્તાઓનો પોલીસ સ્ટેશન બહાર હોબાળો
ગઈકાલે હુમલાની ઘટના બાદ આપના નેતાઓએ વિસાવદર પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. આપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા,નેતા ઈસુદા ગઢવી,મહેશ સવાણી,પ્રવીણ રામ અને અન્ય કાર્યકર્તાઓ આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા હતા.ફરિયાદ ન નોંધાવાના મામલે કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે સવારે સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.તો બીજી તરફ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે આ હુમલા અંગે વાત કરી હતી.તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
હુમલો ક્યા અને કેવી રીતે કરાયો
વિસાવદર તાલુકાના લેરિયા ગામે ગઈકાલે આપ દ્વારા સભાનું આયોજન કરાયું હતું.આપના જનસંવેદના યાત્રાના કાફલા પર હુમલો કરાયો હતો.જ્યાં હાજરી આપવી નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પહોંચ્યા હતા.આ દરમિયાન ચારથી પાંચ જેટલા અજાણ્યા શખ્સો તેમના પર તૂટી પડ્યા હતા.તેમની ગાડીના કાચ તોડાયા હતા અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં ચારથી પાંચ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે.તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.ઘટના બાદ લેરિયા ગામનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આપ અને ભાજપ સામસામે
આપ દ્વારા આ હુમલો ભાજપના ઈશારે કરાયો હોવાનો આરોપ મૂકાયો છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની ધમાકેદાર એન્ટ્રી અને વધી રહેલા જનાધારના કારણે ભાજપ ડરી ગઈ હોવાનો દાવો આપના નેતાઓ દ્વારા કરાયો છે.તો આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, ભાજપ પ્રેરિત ગુંડાઓએ આ હુમલો કર્યો છે.તો બીજી તરફ ભાજપ દ્વારા કહેવાયુ કે, આપ દ્વારા પ્રસિદ્ધિ માટે જાણી જોઈને હુમલો કરાયો છે. ગુજરાતના બિહાર જેવુ ચિતરવા જાતે જ હુમલો કરાવ્યો છે.