-રૂા.142 કરોડનો વેરો-દંડ વસુલાયો: હજુ કાર્યવાહી ચાલુ: વૈશ્વીક કક્ષાએ રૂા.1.36 બીલીયન ડોલર્સનું બ્લેકમની રેકેટ
નવી દિલ્હી : દેશમાંથી કાળુ બિનહિસાબી નાણુ વિદેશની બેન્કોમાં જમા કરાવવાના સતત ચાલી રહેલા કૌભાંડમાં છાપરે ચડેલા પનામા પેપર્સ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં રૂા.20078 કરોડના કાળા નાણાના લાભાર્થીઓની ઓળખ મેળવી લીધી છે.તેમાં જેની સામે કેસ દાખલ થયા છે તેમાં પાસેથી રૂા.142 કરોડનો ટેક્ષ વસુલવામાં આવ્યા છે અને હજુ વધુ વસુલાત થશે.દેશના એક ટોચના અખબારે પનામા પેપર્સ તરીકે જાણીતા થયેલા પ્રકરણમાં પનામા ટાપુઓની બેન્કોમાં ભારતીયોના નાણા જમા થયા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો તે બાદ એન્ફોર્સમેન્ટ વિભાગે તેની તપાસ શરુ કરીને તેના લાભાર્થીઓની ઓળખ મેળવવાનું શરુ કર્યુ હતું.આ સંબંધમાં પનામાની એક લો ફર્મ મોસાક ફોન્સેકાએ લાખોની સંખ્યામાં ડોકયુમેન્ટ ટ્રાયલ કરીને વિશ્વના અનેક દેશોના નાગરિકોના પનામાની બેન્કોમાં નાણા જમા હોવાનો અને આ બેન્કો મારફત વ્યવહારો થયા હોવાનું જાહેર થયું હતું. જેમાં ભારતના અનેક ધનપતિઓના નામ હતા.
જો કે એન્ફોર્સમેન્ટ વિભાગે કોઈ નામો જાહેર કર્યા નથી પણ માહિતીના અધિકાર હેઠળની અરજી મારફત જણાવ્યું છે કે કુલ રૂા.20078 કરોડની રકમના લાભાર્થીઓની ઓળખ નિશ્ચીત કરી તેમની પાસેથી વેરાની વસુલાતની કાર્યવાહી શરુ થઈ છે.જેમાં રૂા.142 કરોડની વસુલાત થઈ છે અને હજુ વધુ વસુલાતની પ્રક્રિયા ચાલુ છે સીબીડીટીએ આ સમયમાં 46 ફરિયાદો દાખલ કરી હતી તથા બ્લેક મની એકટ અને આવકવેરાની વિવિધ કલમો હેઠળ 83 સ્થળોએ તપાસ દરોડા સર્ચની કાર્યવાહી શરુ કરી હતી. વિશ્ર્વભરમાં પનામા પેપર્સ વિશ્ર્વભરમાં 1.36 બીલીયન ડોલરના નાણાનું પગેરુ મેળવવામાં આવ્યું હતું જેમાં બ્રિટન,જર્મની,સ્પેન,ફ્રાન્સ,ઓસ્ટ્રીયાનો પણ સમાવેશ થતો હતો.