આરએસએસના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે રવિવારના ગાઝિયાબાદમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જો કોઈ હિન્દુ કહે છે કે મુસલમાન અહીં ના રહી શકે તો તે હિન્દુ નથી.ગાય એક પવિત્ર પ્રાણી છે,પરંતુ જે તેના નામ પર બીજાઓને મારી રહ્યા છે તેઓ હિન્દુત્વની વિરુદ્ધ છે.આવી ઘટનાઓમાં કાયદાએ પોતાનું કામ કરવું જોઇએ.’ તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ ભારતીયોનું DNA એક છે,પછી તે ગમે તે ધર્મના હોય.મોહન ભાગવતના આ નિવેદનના કારણે રાજકારણ ગરમાયું છે.
સંઘ પ્રમુખના વિચારને લઇને સંઘની અંજર જ અવાજ ઊઠ્યો
કૉંગ્રેસથી લઇને AIMIMના ચીફ ઓવૈસીએ પણ મોહન ભાગવતના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તો હવે સામે આવી રહ્યું છે કે સંઘમાં જ અનેક લોકોએ મોહન ભાગવતના આ નિવેદનનો વિરોધ કર્યો છે.આ લોકોનું કહેવું છે કે ગુરૂજી ગોલવકરના જમાનામાં હિન્દુત્વને લઇને સંઘની વિચારધારા અલગ રહી હતી.લગભગ 50 વર્ષ બાદ કદાચ એવી સ્થિતિ ફરી બની રહી છે જ્યારે સંઘ પ્રમુખના વિચારને લઇને સંઘની અંજર જ અવાજ ઊઠવા લાગ્યો છે.
ભાગવતે મુસલમાનોને લઇને આ પહેલા પણ આપ્યું હતું નિવેદન
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધના સ્વરમાં ખાસ કરીને નાગપુર,આસામ અને પશ્ચિમ બંગાળથી આવ્યા છે.આસામ અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં સંઘે ઘણું કામ કર્યું હતું.આસામમાં મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં દરેક બૂથ પર 20-20 લોકોની કમિટી બનાવવામાં આવી,પરંતુ દરેક બૂથ પર 5થી વધારે વોટ નથી મળ્યા.બંગાળમાં પણ તમામ પ્રયત્નો છતાં મમતા બેનર્જીની જ જીત થઈ. મુસલમાનોને લઇને ભાગવતનું આ પહેલું નિવેદન નથી.ત્રણ વર્ષ પહેલા સપ્ટેમ્બર 2018માં દિલ્હીમાં 3 દિવસની વ્યાખ્યાન માલામાં ડૉ. ભાગવતે કહ્યું હતું કે, ‘મુસલમાનો વગર હિન્દુત્વ અધુરું છે અને હિન્દુસ્તાનમાં રહેનારો દરેક વ્યક્તિ હિન્દુસ્તાની છે.’
હિન્દુત્વને લઇને RSSમાં હંમેશાથી મતભેદ
મુસલમાનો પર RSSથી હંમેશાથી અલગ વિચાર રાખતા સંઘ વિચારક દિલીપ દેવધર કહે છે કે, ‘સંઘ પ્રમુખ ડૉ. ભાગવતનું નિવેદન ડૉ. હેડગેવાર અને દેવરસના વિચારોને આગળ વધારનારું છે. વિશ્વાસ છે કે તેમને આમાં સફળતા મળશે. ગુરૂજીના વિચારો અલગ રહ્યા હતા.સંઘનો ઇતિહાસ જોઇએ તો હિન્દુત્વને લઇને RSSમાં હંમેશાથી મતભેદ રહ્યા છે. ડૉ. હેડગેવાર કહેતા હતા કે, હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુ છે.જેમકે અમેરિકામાં અમેરિકન, જર્મનીમાં જર્મન હોય છે.તેઓ હિન્દુ શબ્દમાં આસક્તિ તો નહોતા રાખતા,પરંતુ દશ હજાર વર્ષ જૂની હિંદુ પરંપરા અને વિચારની સાથે ચાલતા હતા.’

