મહારાષ્ટ્રમાં એનસીપીના નેતા એકનાથ ખડસેના જમાઈ ગિરીશ ચૌધરીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ ધરપકડ કરતાં ખડસે હવે શું કરશે તેના પર સૌની નજર છે.ખડસે પહેલાં ભાજપમાં હતા પણ હાઈકમાન્ડે અવગણના કરતાં એનસીપીમાં જોડાઈ ગયા હતા.એ વખતે જ ખડસેના પરિવાર સામે ભોસારી જમીન કાંડની તપાસ શરૂ થતાં ખડસેએ ધમકી આપી હતી કે, ભાજપ પાસે ઈડી છે તો મારી પાસે સીડી છે.
ખડસે પોતાની ધમકીનો અમલ કરે છે કે નહીં તેના પર સૌની નજર
ખડસેએ કેન્દ્રીય એજન્સીઓ પોતાને કે પોતાના પરિવારને કંઈ પણ કરશે તો ભાજપના નેતાઓની વાંધાજનક સીડી બહાર પાડવાની ધમકી આપી હતી.હવે ઈડીએ ખડસેના જમાઈને જ જેલભેગા કરી દીધા છે ત્યારે ખડસે પોતાની ધમકીનો અમલ કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ખડસે પાસે કોઈ સીડી છે જ નહીં પણ ભાજપને ડરાવવા માટે તેમણે ખોટી ધમકી આપી હતી.ખડસેની ધમકીના કારણે તેમની સામે તાત્કાલિક પગલાં નહોતાં લેવાયાં પણ હવે સીડી જ નથી તેની ખાતરી થતાં ખડસેનું આવી બનશે.