નવી દિલ્હી : કેન્દ્રીય એજન્સી ઈડીએ આજે શુક્રવારે જણાવ્યું છે કે દેશમાં સૌથી મોટી લોન લઈને કૌભાંડ કરનાર વિજય માલ્યા,નીરવ મોદી અને મેહુલ ચોક્સીના શેરો વેચીને સ્ટેટ બેંકના નેતૃત્વમાં એક ટીમે 792.11 કરોડની વસૂલાત કરી છે.કેન્દ્રીય એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ આ સંપત્તિ વેચી છે.ઈડીએ આ રકમ બેંકોના કોન્સોર્ટિયમને સોંપી છે. આ સાથે સત્તાવાર રીતે ઈડી એ એમ પણ જણાવ્યું છે કે માલ્યા,નીરવ મોદી અને ચોક્સીની સંપત્તિ વેંચીને કુલ 13109.17 કરોડની વસૂલાત કરાઈ ચૂકી છે.
બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા પર વિવિધ બેંકોના 9000 કરોડથી વધુનું લેણું છે.આ સિવાય હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી છેતરપિંડી કરીને 13000 કરોડની લોન લીધાનો આરોપ છે. આ સિવાય પંજાબ નેશનલ બેંક વિરુદ્ધ નીરવ મોદી કેસમાં આર્થિક અપરાધ કોર્ટ દ્વારા બેંકોને 1060 કરોડની સંપત્તિની મંજુરી અપાઈ છે અને ઈડી દ્વારા 329 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે. 1 જુલાઈ 2021ના રોજ નીરવ મોદીની બહેન પૂર્વી મોદીએ પોતાના વિદેશી બેંકના ખાતામાંથી ઈડીને 17.25 કરોડ ટ્રાન્સફર કર્યા છે. પૂર્વ મોદી આ કેસમાં સરકારી સાક્ષી બની છે. કેટલાક દિવસો પહેલાં ઈડીએ 3728 કરોડની સંપત્તિ સ્ટેટ બેંકના નેતૃત્વયુક્ત કોન્સોર્ટિયમને સોંપી હતી, જેમાં 3744 કરોડના શેર અ 54 કરોડનો ડિમાન્ડ ડ્રાફ્ટ સામેલ છે, જ્યારે 29.57 કરોડની અચલ સંપત્તિ પણ સામેલ છે. અહીંયા નોંધવું રહ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેંકોને કુલ 22585 કરોડનો ચૂનો લગાવ્યો છે.

