ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાળેશ્વર મંદિરમાં હજારો ભાવિકો ઉમટી પડતા ધક્કા મુક્કી, મોટી દુર્ઘટના ટળી

232

મઘ્યપ્રદેશ,તા.27 જુલાઈ : ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાળેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે થયેલી ધક્કા મુક્કી બાદ ભાગદોડ મચી ગઈ હતી.જેમાં સંખ્યાબંધ મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ આવ્યા છે.જોકે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે.

કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા બાદ મંદિરમાં ફરી ભાવિકોને દર્શન માટે એન્ટ્રી આપવામાં આવી છે.સોમવારે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા પહોંચ્યા હતા અને મંદિરના કપાટ જેવા ખુલ્યા હતા કે, લોકોએ એક સાથે દર્શન માટે ધસારો કરતા ભાગદોડ મચી હતી.

મંદિરમાં ધક્કા મુક્કીની સ્થિતિ સર્જાઈ ત્યારે પુરુષો,મહિલાઓ અને બાળકો પોતાને સંભાળી શક્યા નહોતા અને ઘણા લોકો પડી ગયા હતા.દર્શનની સુવિધા પડી ભાંગી છે તેવુ જોયા બાદ મંદિરમાં તૈનાત પોલીસ અને સુરક્ષા ગાર્ડોએ સ્થિતિને મહામહેનતે સંભાળી હતી.

ભૂતકાળમાં અહીંયા ધક્કા મુક્કી અને ભાગદોડની ઘટનાઓ બની ચુકી છે અને ભાવિકોએ જીવ પણ ગુમાવ્યા છે.દર્શન કરીને બહાર આવેલા લોકોએ કહ્યુ હતુ કે, દર્શન કરવા માટે સીએમ શિવરાજસિંહ,પૂર્વ સીએમ ઉમા ભારતી સહિતના વીઆઈપી આવ્યા હતા અને તેમના કારણે ભીડ વધી ગઈ હતી.સુરક્ષા ગાર્ડ થોડા સમય માટે બેકાબૂ ભીડને સંભાળી શક્યા નહોતા અને સ્થિતિ વણસી હતી.સોશિયલ મીડિયા પર તેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેમાંહ જારો લોકો મંદિરમાં ઘૂસતા જોવા મળી રહ્યા છે.

Share Now