– કચરા કૌભાંડની તપાસ સમિતિમાં વિપક્ષી સભ્યનો સમાવેશ નહીં કરાયો છતાં વિરોધ નહીં ગેરકાયદે બાંધકામ અને કથિત કચરા કૌભાંડમાં કોંગ્રેસની ભૂમિકા પણ શંકાસ્પદ
બારડોલી : નાની નાની વાતો લઈ આવેદનપત્ર આપવા નીકળી પડતા કોંગ્રેસ આગેવાનો બારડોલી નગરપાલિકામાં ચાલતી કથિત ગેરરીતિ બાબતે ચુપકીદી સેવતા તેમની નિયત સામે પણ શહેરના નાગરિકોમાં શંકા પેદા થઈ રહી છે. 1.69 કરોડના કચરા કૌભાંડ હોય કે ગેરકાયદે બાંધકામનો મુદ્દો હોય શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ મૌન રહી છે.કચરા કૌભાંડની તપાસ સમિતિમાં વિપક્ષના એક પણ સભ્યને લેવામાં નહીં આવ્યા હોવા છતાં શહેર કોંગ્રેસ હાથ પર હાથ રાખીને બેસી રહ્યું છે.વિપક્ષની નબળી કામગીરીને કારણે જ શાસક પક્ષમાં કથિત ભ્રષ્ટાચાર ફુલ્યોફાલ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે.
ગત દિવસો દરમ્યાન સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં મસમોટા કૌભાંડો સામે આવ્યા હતા.જે પૈકી ગેરકાયદે બાંધકામને લઈને પણ પાલિકામાં ગાંધીનગરથી વિજિલન્સની તપાસ આવી હતી.આ તપાસ પણ ટલ્લે ચઢી જાય તેવી સંભાવના રહેલી છે.એટલું જ નહીં કથિત કચરા કૌભાંડ નગરપાલિકાના આરોગ્ય ચેરમેન કિશોર ચૌધરીએ ખુલ્લું પાડ્યું હતું.અને આ માટે તપાસ સમિતિ બનાવી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી.જો કે મોટા ભાગે તપાસ સમિતિમાં વિપક્ષના ઓછામાં ઓછા એક સભ્યને લેવાની પરંપરા ચાલતી આવી છે.પરંતુ કચરા કૌભાંડ મુદ્દે બનાવવામાં આવેલી તપાસ સમિતિમાં તમામ ચાર સભ્યો શાસક પક્ષ ભાજપમાંથી જ લેવામાં આવ્યા છે.ખાસ સામાન્ય સભામાં અપક્ષ સભ્ય આરીફ પટેલે આ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.પરંતુ કોંગ્રેસના ત્રણ પૈકી એક પણ સભ્યએ સમિતિને લઈને હરફ શુદ્ધા ઉચાર્યો ન હતો.એટલું જ નહીં શહેર કોંગ્રેસ પણ આ મુદ્દે વામણું પુરવાર થયું છે.નાની નાની બાબતોને લઈ આવેદનપત્ર આપવા નીકળી પડતા કોંગ્રેસના હોદ્દેદારો શહેરમાં ચાલતા મોટા ભ્રષ્ટાચાર મામલે ચૂપ બેસી રહેતા ક્યાંક ને ક્યાંક તેમની ભૂમિકા સામે પણ શંકા ઉત્પન્ન થઇ રહી છે.બે મહત્વના મુદ્દા હોવા છતાં કોંગ્રેસ કેમ આ મુદ્દાઓને નજરઅંદાજ કરી રહ્યું છે તે અંગે લોકોમાં પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.