અમદાવાદ :ત્રીજી લહેર ઘાતક બનીને તૂટી પડવાની છે તેવા સંકેત છે. આ વચ્ચે પણ લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા.તેમજ રાજકીય નેતાઓ પણ ખુલ્લેઆમ માસ્ક વગર ફરતા દેખાય છે.ત્યારે ગુજરાત હાઇકોર્ટે સરકારને વધુ એક ફટકાર લગાવી છે.માસ્ક ન પહેરનારને પાસા કરવાની સૂચના આપીને ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો છે.
નિયમો બધા માટે સરખા હોવા જોઈએ – હાઈકોર્ટ
કોરોનાની બીજી લહેર સમયે મેડિકલ સ્ટોરના વેપારી સામે પોલીસે કાર્યવાહી કરાઈ હતી.અસારવા મેડિકલ સ્ટોરના વેપારી સામે પાસા કરતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.મેડિકલના વેપારીએ પાસાનો હુકમ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અવલોકન કર્યું કે, અનેક રાજકીય નેતાઓ જાહેર કાર્યક્રમો તથા રેલીઓ દરમિયાન માસ્ક પહેરતા નથી.ત્યારે હાઈકોર્ટે આ મામલે ટકોર કરીને કહ્યું કે, રાજકીય નેતાઓને માસ્ક ન પહેરવા બદલ પાસા કરો. રાજકીય નેતાઓ ખુલ્લા મોઢે રાજકીય રેલીઓ કરી રહ્યા છે,ત્યાં કેમ પાસા નથી થતા.વિચાર કરો કે કેવા વાતાવરણ વચ્ચે આપણે જીવીએ છીએ. નિયમ બધા માટે સરખા હોવા જોઈએ.
સાથે જ હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, આ બધુ કયા જઇને અટકશે? તમે પણ વિચાર કરો આપણે કેવા વાતાવરણ વચ્ચે જીવી રહ્યા છીએ? કોઇ યોગ્ય જવાબ છે તમારી પાસે? નિયમો બનાવો છો તો તેનું પાલન પણ બધા માટે હોય છે ને? શું કામ કોઇ સીધા અને શાંતિથી કામ કરતા લોકોને પજવો છો? અને પાસા? માસ્ક નહી પહેરવા બદલ પાસા કેવી રીતે કરાય?


