– પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો
– શ્રીગંગાનગરમાં સંયુક્ત કિસાન મોર્ચાએ વિરોધ પ્રદર્શન યોજ્યું ત્યારે ભાજપના કાર્યકરો સાથે ધક્કા-મુક્કી થઈ
શ્રીગંગાનગર, તા. ૩૦ : રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ખેડૂતો અને ભાજપ વચ્ચે ઘર્ષણ થયું હતું. સંયુક્ત કિસાન મોર્ચા સાથે જોડાયેલા ખેડૂતોએ ભાજપ સામે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.એમાં ભાજપના ધારાસભ્ય સાથે ગેરવર્તન થયું હતું.ખેડૂતો શ્રીગંગાનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.એ વખતે ભાજપના એસસી મોર્ચાના પ્રદેેશ અધ્યક્ષ અને ભાજપના ધારાસભ્ય કૈલાશ મેઘવાલ સાથે ગેરવર્તન થયાનો આરોપ લાગ્યો છે.ભાજપે પણ રાજ્યની કોંગ્રેસ સરકાર સામે રાજ્ય વ્યાપી હડતાલના ભાગરૃપે શ્રીગંગાનગરમાં પ્રદર્શન યોજ્યું હતું.બંને પ્રદર્શનો વખતે ખેડૂતો અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.
પ્રદર્શનકારીઓએ ગંગાસિગ ચોક પાસે ધારાસભ્ય કૈલાશ મેઘવાલના કપડાં ફાડી નાખ્યા હતા અને મેઘવાલ તેમજ ભાજપના કાર્યકરો સાથે ખેડૂતોએ ધક્કા મૂક્કી કરી હતી.ભાજપે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ધારાસભ્યના કપડાં ફાડીને તેને ગરમ રેતીમાં ખેંચવામાં આવ્યા હતા.ભાજપના ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યા પછી મામલો ખૂબ જ તંગ બની ગયો હતો.ભાજપ-ખેડૂતો વચ્ચે તંગદિલી વધતી જોઈને પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે ધારાસભ્યના કપડાં ફાડી નાખ્યા પછી પ્રદર્શનકારીઓ ઉપર લાઠીચાર્જ કરવો પડયો હતો. એ પછી ધારાસભ્ય મેઘવાલને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢીને હોસ્પિટલમાં તપાસ કરવા લઈ જવાયા હતા.
ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે ભાજપના નેતાઓના ઈશારે બળપ્રયોગ કર્યો હતો અને તેના કારણે ઘણાં ખેડૂતોને ઈજા થઈ હતી.આ મામલે જિલ્લા સ્તરેથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.શ્રીગંગાનગર જિલ્લામાં તાત્કાલિક ઠેર-ઠેર સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.