– વડાપ્રધાનના હસ્તે ઇ-રૂપીનું લોન્ચિંગ
– ઇ-રૂપી વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન: કોઈપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ વગર આ વિકલ્પનો ઉપયોગ થઈ શકે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ચલણ ઇ-રૂપી લોન્ચ કરતા જણાવ્યું હતું કે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાંધણ ગેસ સબસિડી,રાશનના નાણા અને અન્ય સામાજિક કલ્યાણની યોજનાઓનું લાભાર્થીઓને સીધા ટ્રાન્સફર કરીને 1.78 લાખ કરોડ બચાવ્યા હતા અને આ રીતે સિસ્ટમના છીંડા ભર્યા હતા.
આમ સરકારે ડીબીટી દ્વારા આટલી જંગી રકમ બચાવી હતી. વડાપ્રધાને આજે ઇ-રૂપીનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરતા આ વાત જણાવી હતી.ઇ-રૂપી વાઉચર આધારિત પેમેન્ટ સોલ્યુશન્સ છે.ઇ-રૂપી દ્વારા કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાય છે.મુંબઈમાં એક મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ઇ-રૂપી દ્વારા રસી માટે ચૂકવણી કરી.આ રીતે તે આ સોલ્યુશનની પહેલી યુઝર બની. આ મહત્ત્વના ડિજિટલ કાર્યક્રમમાં દેશના જુદા-જુદા રાજ્યોના રાજ્યપાલો, કેન્દ્રીય મંત્રીઓ, રિઝર્વ બેન્કના ગવર્નર અને અન્ય પ્રતિષ્ઠિતોએ હિસ્સો લીધો.
મોદીએ જણાવ્યું હતું કે ફક્ત સરકાર જ નહીં સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈની સારવારમાં કે કોઈના અભ્યાસ માટે અથવા બીજા માટે કામ કરવા કોઈ મદદ કરવા ઇચ્છે છે તો તે રોકડના બદલે ઇ-રૂપી આપી શકશે.તેનાથી તે સુનિશ્ચિત થશે કે તેના દ્વારા આપવામાં આવેલા નાણા તે જ કામમાં લાગશે જેના માટે તેણે નાણા આપ્યા છે.આમ ઇ-રૂપી પર્સનની સાથે પર્પઝ સ્પેસિફિક પણ છે.
ડિજિટલ પેમેન્ટ માટે ઇ-રૂપી કેશલેસ અને કોન્ટેક્ટલેસ ઇન્સ્ટ્રૂમેન્ટ છે.તે ક્યુઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ પર આધારિત ઇ-વાઉચર છે. તેને લાભાર્થીઓના મોબાઇલ પર ડિલિવર કરી શકાય છે.આ વનટાઇમ પેમેન્ટ સિસ્ટમને યુઝર કોઈપણ કાર્ડ વગર,ડિજિટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આ વાઉચરને સર્વિસ પ્રોવાઇડરની જોડે રીડિમ કરી શકશે.નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ)એ પોતાના યુપીઆઇ પ્લેટફોર્મ પર તેને વિકસાવ્યું છે.