ભાજપના સાથીદાર નીતિશકુમારે પણ કહ્યુ કે, પેગાસસ જાસૂસી પ્રકરણની તપાસ થવી જોઈએ

233

નવી દિલ્હી,તા.3 ઓગસ્ટ : સંસદમાં પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી કરવાના પ્રકરણના કારણે વિપક્ષો હોબાળો મચાવી રહ્યા છે ત્યારે હવે બિહારના મુખ્યમંત્રી અને ભાજપના સાથીદાર નિતિશ કુમારે પણ વિપક્ષના સૂરમાં સૂર પૂરાવ્યો છે.

નીતિશ કુમારે કહ્યુ છે કે, પેગાસસ પ્રકરણમાં મને એટલી જ ખબર છે જેટલી પેપરોમં વાંચી છે.આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ખોટી રીતે થઈ શકે છે તે બધા જાણે છે.લોકોની મોબાઈલ થકી થતી વાતચીતને ટેપ કરવાનો પ્રયાસ કરાયો છે તો આ મામલાની તપાસ થવી જોઈએ.

નીતિશ કુમારને આ મામલાની તપાસ સંયુક્ત સંસદિય સમિતિ દ્વારા કરવાની વિપક્ષની માંગ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે નીતિશ કુમારે કહ્યુ હતુ કે, સંસદમાં શું ચાલી રહ્યુ છે તેના પર હું ટિપ્પણી નહીં કરુ પણ પેગાસસ મામલામાં જો કોઈની પાસે કોઈ નક્કર માહિતી હોય તો સરકારને આપે.મને વિશ્વાસ છે કે, સરકાર આ મામલાની પ્રામાણિકતાથી તપાસ કરાવશે.

આ નિવેદન બાદ શિવસેનાએ નીતિશકુમારના વખાણ કર્યા છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે ,હું નીતિશ કુમારનો આભારી છું.તેઓ એક આદર્શ નેતા છે.શરીરથી ભલે તેઓ સરકાર સાથે હોય પણ મનથી અમારી સાથે છે.તેઓ જો કહેતા હોય કે ,જાસૂસી પ્રકરણની તપાસ થવી જોઈએ તો તે એજ કહી રહ્યા છે જે વિપક્ષ કહે છે.મોદીજીએ હવે તો આ માંગણી પર ધ્યાન આપવુ જોઈએ.

Share Now