બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં દસ્તાન ગામે ખોરંભે ચડેલ ઓવરબ્રિજની કામગીરી મામલે આજરોજ સુરત જિલ્લા તેમજ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી વિરોધ નોંધાવતાં પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી કોંગી કાર્યકરોને ડીટેન કર્યા હતા.
સુરત જિલ્લાના કડોદરાથી બારડોલી હાઇવે પર દસ્તાન ફાટક પર ઘણા સમયથી એક વૈકલ્પિક માર્ગની માંગ ઉઠી રહી હતી.આ માર્ગ એક રાજ્યથી બીજા રાજ્યને જોડતો હાઇવે હોય અને આ માર્ગ ઉપર વાહન વ્યવહાર વધી ગયો હતો.તો બીજી બાજુ દસ્તાન નજીકથી રોજીંદી 50 થી વધુ ટ્રેનો પસાર થાય છે.જેથી બારડોલીના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાતા કરોડોના ખર્ચે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 2016ના વર્ષમાં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જે વાતને આજે 5 વર્ષ વીતી જવા છતાં હજુ સુધી આ બ્રિજ ખુલ્લો મૂકી શકાય નથી.જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ દરમ્યાન થયેલ વિકાસની ઉજવણી કરી રહી છે ત્યારે આજરોજ સુરત જિલ્લા તેમજ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બ્રિજ હજુ સુધી પ્રજા માટે ખુલ્લો ન મૂકાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી 30 થી વધુ કાર્યકરોને ડીટેન કર્યા હતા.