– આપના કાર્યકરે કુમાર કાનાણીના વીડિયોને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો
સુરત : આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેને ધ્યાનમાં રાખીને વરાછા પોલીસે ગઈકાલે ભરત પટેલ નામના યુવકની ધરપકડ કરી હતી.ભરત પટેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે.વરાછા પોલીસે ધરપકડ કરતા આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરત પટેલના પત્ની વોર્ડ નંબર 24માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહ્યાં હતાં.ભરત પટેલની ધરપકડ થતાં આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા કોર્પોરેટરો અને હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ભરત પટેલ અને છોડી મૂકવા માટે માંગ કરવામાં આવી હતી.પોલીસે કુમાર કાનાણીના ઈશારે ધરપકડ કરી હોય તે પ્રકારની દલિલો કરી હતી.પોલીસ સ્ટેશનના ગેટ પાસે બેસીને રામધૂન કરી ને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ દાખવ્યો હતો.
તાજેતરમાં જ કુમાર કાનાણી દ્વારા ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યું હતું.જેમાં તેમના વીડિયો એડિટ કરીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો.જેમાં કુમાર કાનાણી પોતાના જ પાર્ટી માટે એલફેલ બોલતા હોય એ પ્રકારનો વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો.જેના કારણે કુમાર કાનાણી છબીને નુકસાન થાય તે પ્રકારનો વીડિયો હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આપના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, પોલીસ માત્ર ભાજપના નેતાઓના ઇશારે કામગીરી કરી રહી છે.લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો હક છે.પરંતુ પોલીસ પોતાના તાનાશાહી વર્તનને કારણે રાજકીય દમનમાં આવીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે અયોગ્ય વર્તન કરે છે.ભરત પટેલની ધરપકડ કુમાર કાનાણીના ઇશારે ખોટી રીતે કરવામાં આવી છે.તેમને તાત્કાલિક અસરથી છોડી દેવા માટે અમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે રામધૂન ગાઈને પોલીસને તેમજ રાજકીય નેતાઓને સદબુદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી હતી