સુરત: સુરતમાં બે ઇસમોએ ડેપ્યુટી કમિશનરને તેમની ઓફિસમાં ચપ્પુ બતાવીને ધમકી આપતા હોબાળો મચી ગયો છે.
સેન્ટ્રલ ઝોનના વડા ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલાની કેબિનમાં ઘૂસી જઈને બે મુસ્લિમ ઇસમોએ ચપ્પુ બતાવી દેતા જરીવાલા ઘડીભર માટે ડઘાઈ ગયા હતા.આ ઇસમોએ રામપુરા છડાઓલ વિસ્તારના એક ગેરકાયદે બાંધકામને તોડાવવાની વાત કરવા સાથે પોતાની પાસેની ફાઈલમાં રહેલા એક કવરમાંથી ચપ્પુ કાઢી ટેબલ પર મૂક્યું હતું.ચપ્પુ બતાવીને બંનને શખ્સોએ કહ્યુ હતુ કે, ‘આ બાંધકામ ન તૂટ્યું તો પછી તમે જોઈ લેજો.ઝોનના કાર્યપાલક ઈજનેર ભટ્ટને અમે પતાવી દઈશું.’ આ સાંભળતાં જ ગાયત્રી જરીવાલા ગુસ્સે ભરાયા હતા અને તાત્કાલિક પટાવાળાને બેલ મારી હતી.આ સાથે જ જરીવાલાએ ફોન જોડી સુરક્ષા ગાર્ડોને પણ બોલાવતા બંને ઇસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને આ અંગે જાણ થતા જ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની સુચના આપતા વૉચ એન્ડ વોર્ડ વિભાગ દ્વારા લાલગેટ પોલીસ સ્ટેશનમાં આ અંગેની અરજી દાખલ કરાઈ છે.
સુરત મહાપાલિકાના ઈતિહાસમાં પ્રથમવાર એવી ઘટના ઘટી હતી કે, સમગ્ર તંત્રમાં સન્નાટો છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ગાયત્રી જરીવાલાએ જણાવ્યું હતું કે, મુગલીસરા સ્થિત મનપાની મુખ્ય કચેરી ખાતે તેઓ પોતાની બીજા માળે આવેલી કેબીનમાં બપોરે ૧૨.૩૦ કલાકે બેઠા હતા.એ સમયે બે ઇસમો આમીર સોપારીવાલા અને ઝહિર મગર હાથમાં એક ફાઇલ સાથે તેઓને મળવા આવ્યા હતા.રોમપુરા છડાઓલ વિસ્તારની એક મિલકત, નોંધ નં. ૭/૨૧૪૭માં શકીલ અબ્દુલ રશીદ દ્વારા ગેરકાયદે પાંચમા માળ પર એક રૂમ બનાવી હોવાની ફરિયાદ સાથે આ બંને વ્યક્તિઓએ આ બાંધકામ તોડવાની રજૂઆત કરી હતી.
આ મામલે સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી બીપીન ભટ્ટે આ ઇસમોનું હિયરીંગ પૂર્ણ કર્યું હતું.જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, ગેરકાયદે છે તો ડિમોલિશન થશે.પ્રથમ મુખ્ય માર્ગમાં નડતરરૂપ મિલકતો,લાઈનદોરીમાં આવતી મિલકતો,નવા બની રહેલા ગેરકાયદે મકાનો,કોમર્શિયલ મકાનો તોડવામાં આવે છે.સામાન્ય રહેણાક હોય,કોઈએ પોતિકા વપરાશ માટે કશે દાદર, રૂમ,ઓટીએસ કવર,માર્જીન કવર કર્યા જેવા બાંધકામો હોય એની અત્યંત ઉતાવળ ન હોવાથી,એ પાછળથી તોડાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ બાંધકામ મનપાએ તોડ્યું હતું.ચાર માળના મંજૂર પ્લાનમાં માલિક દ્વારા પાંચમાં માળે એક રૂમ બનાવાયો હતો. જે તોડવાની રજૂઆત થતી રહે છે.
માલિક શકીલ રશીદનું અગાઉ સુનાવણીમાં કહેવું હતું કે, આ ઇસમો ગેરકાયદે બાંધકામના પૈસા માંગે છે,જે ન આપતા તોડાવવા માટે રજૂઆત કરે છે.જેમાં ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયાનો પત્ર પણ અગાઉ મનપાને પાઠવાયો હતો. ત્યારબાદ આજે ફરી આ મુદો લઈને આમીર સોપારીવાલા અને ઝહિર મગર મનપા કચેરીએ પહોંચ્યા હતા.જ્યાં તેઓએ ગાયત્રી જરીવાલાને સ્પષ્ટ કહ્યું હતું કે, આ બાંધકામ ન તોડયું તો પછી તમે જોઈ લેજો.અમે સેન્ટ્રલ ઝોનના પટેલ અને ભટ્ટને પતાવી દઈશું.
આ ઘટનાથી મનપા તંત્રના સિક્યોરીટી (વૉચ એન્ડ વોર્ડ) વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.આ અગાઉ પણ સિક્યોરીટી માર્શલોની નિષ્કાળજીને પગલે મનપા કમિશનરે સિક્યુરીટી ચીફને સસ્પેન્ડ કરવા સુધીની ચીમકી આપી હતી. આજે મનપા પરિસરમાં ચપ્પુ સાથે ઘુસવાની બે ઇસમોએ હિંમત કરી નાંખતા મનપાના સુરક્ષા ઘેરાની પોલ પણ ખુલી જવા પામી છે.હવે આ મામલે પોલીસ ફરિયાદ બાદ શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.


