અફઘાનિસ્તાનમાં થયેલા તાલિબાનના કબજાની વચ્ચે દેશ છોડીને નીકળેલા રાષ્ટ્રપતિ અશરફ ગની હવે અમેરિકા જઈ શકે છે.પહેલા જાણકારી હતી કે અશરફ ગની તાજીકિસ્તાન પહોંચી ગયા છે,પરંતુ ત્યાં ગઈકાલે તેમની ફ્લાઇટ લેન્ડ ના થઈ શકી. આવામાં અશરફ ગની ઓમાનમાં છે.અશરફ ગની ઉપરાંત અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોહિબ પણ ઓમાનમાં જ છે.બંનેના વિમાનને રવિવારના તાજીકિસ્તાનમાં લેન્ડ કરવાની પરવાનગી નહોતી મળી.
આવામાં તેમણે ઓમાનમાં રોકાવાનો નિર્ણય લીધો હતો.હવે અશરફ ગની અહીંથી અમેરિકા જઈ શકે છે.ઉલ્લેખનીય છે કે અશરફ ગનીએ ફેસબુક પર એક સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મુશ્કેલ સ્થિતિ પેદા થઈ ગઈ છે.હિંસા રોકવા માટે તેમણે અફઘાનિસ્તાન છોડવું પડ્યું છે. જો પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈ અને અબ્દુલ્લાહ અબ્દુલ્લાહની વાત કરીએ તો આ બંને અત્યારે પણ કાબુલમાં જ છે.બંને તરફથી તાલિબાન સાથે વાત કરવામાં આવી રહી છે અને પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મિશ્ર સરકાર ચાલી શકે, જેથી લોકોને ઓછી મુશ્કેલીઓ પડે.
જો કે અત્યારે આના પર કોઈ ચોક્કસ માહિતી નથી, કેમકે તાલિબાન જ અંતિમ નિર્ણય લેશે.પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે એક અસ્થિર સરકાર બની શકે છે, જે અફઘાનિસ્તાનની આગેવાની કરશે, પરંતુ તાલિબાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે સત્તા સીધી પોતાના હાથમાં જ લેશે.આવામાં હવે તાલિબાનના હાથમાં જ બધું છે.અફઘાનિસ્તાનની બગડેલી સ્થિતિ વચ્ચે અહીંથી લોકો નીકળી રહ્યા છે.સોમવારના કાબુલ એરપોર્ટ પર હજારોની ભીડ ભેગી થઈ.તાલિબાને કાબુલ સ્થિત રાષ્ટ્રપતિ નિવાસને પોતાના કબજામાં લઈ લીધો છે.
બીજી તરફ અફઘાનિસ્તાન છોડીને ભાગવાના કારણે રાષ્ટ્રપતિ ગનીની ટીકા થઈ રહી છે.અફઘાનિસ્તાનના પૂર્વ સાંસદ જમીલ કરજઈએ રાષ્ટ્રપતિ ગની પર દેશની સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે.તેમણે એ પણ કહ્યું છે કે દેશની વર્તમાન સ્થિતિ માટે તેઓ જ જવાબદાર છે.


