અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સવા બે લાખ કરોડ ડોલરનો ખર્ચ કર્યો, પરિણામ શું આવ્યું?

247

બ્રિટન આજે સુપરપાવર નથી, એક સમયે હતું.રશિયા અને અમિરકા તો બેશક જગતના સુપરપાવર રાષ્ટ્રો છે.સુપરપાવર એટલે એવા કે જેમની પાસે સાધન-સામગ્રી,પૈસા,આધુનિક શસ્ત્રો,ફાઈટર વિમાનો વગેરેની કોઈ કમી નથી.જગત પર એમનું રાજ કે પછી દાદાગીરી ચાલે એવા દેશો.સામે પક્ષે એબીસીડી પ્રમાણે જેનું નામ પહેલું લખાય છે એ અફઘાનિસ્તાન વિકાસની બાબતે સાવ છેવાડાનો દેશ છે. એમાંય તાલિબાનો તો અણઘડ અને આતંકી પ્રજા છે. તો પછી મહાસત્તાઓ સામે તાલિબાઓએ તો ઝૂકી ઝૂકીને સલામ ભરવી જોઈએ.. પણ તેના બદલે ઈતિહાસ એવો છે કે દુનિયાની ત્રણ મહાસત્તાઓ બ્રિટન,રશિયા અને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઉંધા મોંએ પછડાટ ખાધી છે અને છેવટે તેમને ઉભી પૂંછડીએ ભાગવું પડ્યું છે.

બ્રિટન અફઘાનિસ્તાન સામે 3 વાર લડ્યું અને હાર્યું

એંગ્લો-અફઘાન વોર એવા ઈતિહાસમાં ત્રણ જંગ ખેલાયા છે.બ્રિટિશરો અને અફઘાનિસ્તાનો વચ્ચે ખેલાયેલા ત્રણેય જંગમાં બ્રિટનની હાર થઈ છે.એટલે છેવટે એક સદી પહેલા 1919માં બ્રિટિશરોએ રાવલપિંડીમાં અફઘાન સરકાર સાથે કરાર કરી એ દેશને સ્વતંત્ર કરવો પડ્યો.હકીકત એ છે કે ભારતમાં રાજ કરતા બ્રિટિશરોને ઉત્તરમાંથી રશિયાના આક્રમણનો ડર હતો. આજે રશિયા અને ભારત વચ્ચે ખાસ્સુ અંતર છે.પણ એક સમયે રશિયા અને ભારત વચ્ચે માત્ર અફઘાનિસ્તાનનો સાવ સાંકડો પટ્ટો હતો.એ પટ્ટો ક્રોસ કરે એટલે રશિયા કાશ્મીરના ઉત્તર છેડે પહોંચી શકે.એટલા માટે બ્રિટિશરો અફઘાનિસ્તાન પર કબજો જમાવવા માંગતા હતા.

1. અફઘાનિસ્તાન-બ્રિટનનું પ્રથમ યુદ્ધ :

આ જંગ 1839થી 1842 વચ્ચે લડાયો હતો. બ્રિટિશ સામ્રાજ્યને શરૃઆતમાં સફળતા મળી.બ્રિટિશરોએ તેમના કુસંસ્કાર મુજબ ભાગલા પાડી રાજ કરવા પ્રયાસ કર્યો હતો.પણ છેવટે બ્રિટિશરો નિષ્ફળ રહ્યા,આમીર દોસ્ત મહમ્મદને ફરી સત્તા પર બેસાડવા પડ્યા અને એ દેશ ખાલી કરવો પડ્યો.

2. અફઘાન-બ્રિટનનું બીજું યુદ્ધ :

1875માં બ્રિટિશ વડા પ્રધાન બેન્જામીન ડિઝરાયેલીએ ભારતના ગવર્નર નજરલ તરીકે લીટનની નિમણુંક કરી. ભારતમાં શાસન કરતા બ્રિટિશરોને ફરીથી રશિયાનો ડર લાગ્યો.એટલે વિવિધ બહાના ઉભા કરી લીટને નવેમ્બર 1878માં અફઘાનિસ્તાનમાં સેના મોકલી. કાબુલ કબજે લીધું.થોડા સમય પછી કાબુલમાં રહેલા બ્રિટિશ પ્રતિનિધિની હત્યા થઈ.બ્રિટિશરોએ ફરથી દેશ ખાલી કરવો પડ્યો પણ એટલી સફળતા મળી કે અફઘાનિસ્તાને બ્રિટનના કાયમી પ્રતિનિધિને રાખવાની છૂટ આપી.એટલે એ યુદ્ધમાં બ્રિટિશરોને પૂરી નહીં પણ આંશિક સફળતા મળી હતી.

3. ત્રીજું અફઘાન-બ્રિટન યુદ્ધ :

1914માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે અફઘાનિસ્તાન ઓટોમાન સામ્રાજ્યના પક્ષે હતું.એ સામ્રાજ્ય બ્રિટનનું વિરોધી હતું. મે-ઓગસ્ટ 1919 દરમિયાન ચાલેલા એ જંગમાં બ્રિટિશરો ફાવ્યા નહીં.ઉલટાનો અગાઉ જે પ્રાંત તેમણે કબજે લીધો હતો એ ખાલી કરવો પડ્યો અને અફઘાન સાથે સંધિ કરી દેશને સ્વતંત્ર જાહેર કરવો પડ્યો.એ સંધિનો દિવસ 1919ની 19મી ઓગસ્ટ હતો.એ દિવસ જ અફઘાનિસ્તાનમાં સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવાય છે.અલબત્ત, અત્યારે ઈતિહાસે વળાંક લીધો છે અને અફઘાન પ્રજા 19 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન ઉજવે એ પહેલા જ દેશ તાલિબાનોના પગતળે આવી ચૂક્યો છે.

રશિયાનો અફઘાનિસ્તાનમાં પેસારો

બીજા વિશ્વયુદ્ધમાં હિટલરની સેનાને હંફાવનારા અને છેવટે યુદ્ધમાં વિજેતા થનારા રશિયન સૈન્ય માટે અફઘાનિસ્તાન જેવો નાનો દેશ તો કંઈ ન કહેવાય. અલબત્ત, એવો ખ્યાલ રશિયાના શાસકોનો હતો અને એ પણ ખોટો પડ્યો. અફઘાનિસ્તાનની ઉત્તરી સરહદ સંયુક્ત રશિયાને સ્પર્શતી હતી.કોલ્ડ વોર વખતના યુદ્ધમાં ત્યાંથી અફઘાનિ મુઝાહિદ્દીનો ઘણી વખત રશિયન સૈન્યને સળી કરતા હતા.કોલ્ડ વોરની પ્રણાલી મુજબ અમેરિકા અને રશિયા બન્ને પોતાના તરફ અફઘાનિસ્તાન ઢળેલું રહે એવો પ્રયાસ કરતા હતા. 1933માં સત્તામાં આવેલા મોહમ્મદ ઝાહીર શાહને અમેરિકા સામે ખાસ વાંધો ન હતો.પણ 1970 પછી રશિયા સાથે સબંધો નિકટ બન્યા.પરિણામે અફઘાનિસ્તાનમાં સામ્યવાદ ફેલાવા લાગ્યો, એ અમેરિકાને પસંદ ન હતું વળી અફઘાનિસ્તાની મુઝાહિદ્દીનોને પણ પસંદ ન હતું.એટલે મુઝાહિદ્દીનો સરકાર સામે પડ્યા (અત્યારે જે રીતે તાલિબાનો પડ્યા છે એમ). એ મુઝાહિદ્દીનોને સ્વાભાવિક રીતે રશિયા વિરોધી અમિરકા સહિતના દેશો મદદ કરતા હતા.

રશિયાએ એ માથાકૂટનો અંત આવે એ હેતુથી ડિસેમ્બર 1979માં રશિયામાં સૈન્ય ઉતાર્યુ.શરૃઆતમાં 30 હજાર રશિયન સૈનિકો આધુનિક શસ્ત્રો અને ટેન્ક સહિતના ભારે હથિયારો સાથે અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યા.રશિયાની એ લડાઈ અફઘાનિસ્તાન સરકાર સામે ન હતી, માત્ર મુઝાહિદ્દીનો સામે હતી.એટલે રશિયાને પણ અફઘાન સરકારનો સાથ હતો.અમેરિકા જે રીતે અફઘાન સરકાર સાથે રહીને તાલિબાનો સાથે લડતું હતું એવી જ લડાઈ એ વખતે રશિયાએ કરી હતી.રશિયાએ શરૃઆતમાં ઘણી જગ્યાએથી મુઝાહિદ્દીનોને હાંકી કાઢ્યા.

આ મુઝાહિદ્દીનો રશિયન સૈન્ય સામે ટકી શકે એ વાતમાં માલ ન હતો.પણ તેમને અમેરિકા પાસેથી શસ્ત્રો,હથિયારો,નાણા અને તાલીમ મળતી હતી.કેમ કે રશિયાને નીચાજોણુ થાય એમાં અમેરિકાને રસ હતો.જો અમેરીકા સીધુ જ તાલિબાનો-મુઝાહિદ્દીનોને મદદ કરો તો પછી વિશ્વભરમાં તેની ટીકા થાય.પરંતુ આતંકીઓને મદદ કરવાની અમેરિકાની જૂની નીતિ રહી છે. ઈનફેક્ટ આતંકીઓ પેદા કરવાનું કામ ઘણે અંશે અમેરિકા જેવા દેશોએ જ કર્યું છે. (આઈસીસી એ બ્રિટિશરો અને અન્ય યુરોપિયન દેશોની લાલચની પેદાશ છે). અમિરકાએ પાકિસ્તાનને વચેટિયા તરીકે રાખી અફઘાનિસ્તાનમાં બધી સામગ્રી ઠાલવવી શરૃ કરી.પાકિસ્તાનને ત્યારથી વચેટિયા થવાની ટેવ પડી ગઈ.આ બધી સવલતોને કારણે અફઘાનિસ્તાનમાં અઢી લાખ જેટલા લડવૈયા તૈયાર થયા જે અફઘાન સરકાર અને રશિયા સામે લડતા હતા.રશિયા માટે એ લડત ભારે આકરી પડી. કેમ કે અફઘાનિસ્તાનની અજાણી,ખડકાળ,પથરાળ,ભૂમિ પર ક્યાંકથી હુમલો કરી તાલિબાનો ક્યાંક ગુમ થઈ જતા (એટલે જ તો લાદેનને પકડતા અમેરિકાને વર્ષો લાગ્યા).

અફઘાનિસ્તાનમાં પ્રવેશ્યાના નવ વર્ષ, બે મહિના પછી રશિયાએ એ દેશ છોડવાની શરૃઆત કરી.રશિયાને સરવાળે ખાસ કશો લાભ થયો,સૈનિકો મરાયા અને કરોડોનો ધૂમાડો થયો.રશિયાએ દેશ છોડ્યો ત્યારે મહમદ નજીબુલ્લાહ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હતા.થોડા સમયમાં મુઝાહિદ્દીનોએ એક પછી એક શહેરો કબજે લેવા માંડ્યા એટલે નજીબુલ્લાહે સત્તા છોડવી પડી.એ નજીબુલ્લાહને 1996માં તાલિબાનોએ મારી નાખ્યા અને તેમની લાશ ટ્રક પાછળ બાંધી કાબુલની શેરીઓમાં ફેરવી હતી.અત્યારે અશરફ ગની શા માટે અફઘાનિસ્તાન છોડી ભાગી ગયા તેનો જવાબ એ ઘટનામાંથી મળી રહે છે.

અમેરિકાની અફઘાનિસ્તાનમાં હાર

અમેરિકાએ થોડા સમય પહેલા અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચી લીધું પછી મોતનું તાંડવ શરૃ થયું. અમેરિકાએ તો અનેક જંગો લડ્યા છે, પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથેનું યુદ્ધ સૌથી લાંબુ હતું. 2001માં શરૃ થયું, 2021માં પુરું થયું અને છેવટે તાલિબાનો જ વિજયી થયા.જગત જમાદાર થઈ ફરતા અમેરિકાની મૂછો તાલિબાનોએ વાઢી લીધી છે.અગાઉ બ્રિટન અને રશિયાની અફઘાનિસ્તાનમાં થયેલી હારમાંથી અમેરિકાએ કઈ બોધપાઠ ન લીધો એનું પરિણામ એ આવ્યું કે 20 વર્ષમાં કરોડો ડોલર ખર્ચ્યા,સેંકડો સૈનિકો શહીદ થયા અને છેવટે અમેરિકાને વિજય મળવાને બદલે મુરખના સરદારનું બિરૃદ મળ્યું.

અમેરિકાને અફઘાનિસ્તાનમાં પ્રવેશ 2001ના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના આતંકી હુમલા પછી કરવો પડ્યો. એ હુમલો લાદેને કરાવ્યો હતો.લાદેન તાલિબાની હતો, બીજા ઘણા લાદેનો અફઘાનિસ્તાનમાં છૂપાયેલા હતા.એ બધાને અમારા આધુનિક હથિયારો, શક્તિશાળી ફાઈટર વિમાનો ખતમ કરી નાખશે એમ માનીને અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતર્યું. 2001ની 7મી ઓક્ટોબરે અમેરિકી વાયુસેનાએ બ્રિટિશ ફોર્સ સાથે મળીને તાલિબાની વિસ્તારો પર બોમ્બમારો શરૃ કર્યો.જો હવાઇ હુમલાથી તાલિબાનો ખતમ થાય તો પછી જમીન પર પગ મુકવાનો કોઈ પ્રશ્ન ન હતો.તોરા બોરાની પહાડીઓ પરના એ હુમલામાં ઘણા તાલિબાની આતંકીઓની લાશો ઢળી.પણ એક ખુંખાર આતંકી ત્યાંથી ભાગી ગયો. એનું નામ લાદેન.ત્યારે અફઘાનિસ્તાનમાં તાલિબોનાનું જ રાજ હતું, જેવુ અત્યારે છે.અમેરિકાએ એ તાલિબાનોને ખદેડવાની શરૃઆત કરી.ત્રણ વર્ષ એ સફાઈ ચાલ્યા પછી 2004માં ફરીથી લોકશાહી સરકારની સ્થાપના કરી અને હામિદ કરઝાઈને પ્રમુખ બનાવાયા.

એક રીતે અમિરકાનું કામ ત્યાં પુરું થઈ જતું હતું.પણ તાલિબાનોને સાવ સાફ કરવાની લાલચમાં અને રશિયા જેવો કોઈ દેશ અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો ન જમાવે એ લાલચે અમેરિકાએ ત્યાં સૈન્ય ખડકી રાખ્યું.અમેરિકાની હાજરીથી તાલિબાનો ભુરાયા થતાં હતા. એ પોતાની રીતે નેટવર્ક મજબૂત કરતા જતા હતા. એટલે સ્થિતિ એવી સર્જાઈ કે 20 વર્ષ પછી અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તાલિબાનો શોધ્યા ન મળવા જોઈએ, એના બદલે કાબુલના પાદરમાં રાહ જોઈને જ બેઠા હતા.

સીધી વાત છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાને નામે ફીફાં ખાંડ્યા હતા.અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ દરમિયાન પોતાના 2400થી વધારે સૈનિકો ગુમાવ્યા.અફઘાનિસ્તાન પાછળ સવા બે લાખ કરોડ ડોલરનો ખર્ચ કર્યો અને છેવટે એ નાણાનો ઉપયોગ અફઘાનિસ્તાનને સળગતું રાખવા માટે થયો હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

Share Now